જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કેસરીયો લહેરાવવા પ્રચાર પ્રસારમાં નેતાઓના ભરચક કાર્યક્રમો
મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે આ અઠવાડિયામાં પણ કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કેસરિયો લહેરાવવા માટે નેતાઓના પ્રચાર પ્રસારમાં ભરચક કાર્યક્રમો છે.જેને પગલે આજની કેબિનેટ મુલતવી રખાય હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક આજે બુધવારે નહીં યોજાય. ગઈકાલે મહાપાલિકાનું પરિણામ જાહેર થયા બાદ નેતાઓનું એક કામ હળવું થયું છે. પણ હવે આગામી તા. ૨૮ના રોજ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોનું મતદાન યોજાનાર હોય.હજી તેનો ચૂંટણી પ્રચાર- પ્રસારનો અંતિમ તબક્કો બાકી રહ્યો હોય નેતાઓ તેમાં વ્યસ્ત બન્યા છે. અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીના પગલે દર બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી હતી. જો કે મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ હોય નેતાઓ તેમાંથી ફ્રી થઈ ગયા છે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કામે લાગી ગયા છે. હાલ આ ચૂંટણીના પ્રચાર માટે નેતાઓમાં ભરચક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આજે રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે કાર્યક્રમનું સેડ્યુલ છે. આ સાથે મોટાભાગના કેબિનેટ મંત્રીઓ પણ પોતાના વિસ્તારના સ્થાનિક ઉમેદવારોને જીતાડવા મેદાનમાં ઉતર્યા છે. તેઓનું સેડ્યુલ પણ અતિ વ્યસ્ત છે. જેના પગલે આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનારી કેબિનેટની બેઠક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હાલ અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના તમામ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. મહાનગરપાલિકાઓમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ બેવડાયો છે. તમામ લોકો બધા કામો સાઈડમાં મૂકીને હાલ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ ઐતિહાસિક જીત મેળવવા કામે લાગી ગયા છે.