રાજ્યનો સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી સુધી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ઘકરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : જયેશભાઈ રાદડીયા
જેતપુર તાલુકા પંચાયત કચેરીના ૧૧૧ લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલા નવા તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્યનો સર્વાંગી વિકાસ થાય અને છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને શહેરથી છેક ગ્રામ્ય ના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની દરેક યોજનાનો મહત્તમ લાભ મળે અને પારદર્શક વહિવટની અનુભૂતિ કરે તેવા પ્રયાસ અને કાર્યો કરવામાં રાજ્ય સરકાર અગ્રતા ક્રમે કાર્યો કરવા કટિબદ્ધતા દાખવી આમ નાગરિકનો સર્વાંગી વિકાસ કરવા પ્રયાસ કરી રહેલ છે ત્યારે તેમાં આપણે સહુ જોડાઈ જઈએ અને રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન પ્રદાન કરીએ.
આ પ્રસંગે મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર જામકંડોરણા વિસ્તારએ મારો પરિવાર છે ત્યારે જેતપુર અને જામકંડોરણાના દરેક ગામમાં કોઇપણ જાતના વિકાસ કામો અધૂરા કે વિકાસથી વંચિત ન રહે તે માટે તકેદારી રાખવામાં આવે છે અને કોઈપણ વિકાસ કામ ગ્રાંટના અભાવે અટકે નહીં તેવા મારા પ્રયાસ છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને તાકીદ કરી હતી કે જે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં વિકાસ કામો થઈ રહ્યા હોય તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર જાગૃત રહીને તેમની મહત્તમ ફરજ અદા કરે. અને લોકો ના પ્રશ્નો અને વિકાસ કામ પ્રત્યે જાગૃતતા દાખવે .
આ પ્રસંગે અગ્રણી શ્રી મનસુખભાઈ ખાચરીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન સોલંકીએ શ્રીફળ વધેરી તાલુકા ભવન નું પૂજન કરેલ હતું. શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી નંદાએ સૌને આવકારેલ હતા અને કાર્યક્રમ પ્રસંગે અગ્રણી શ્રી ગોરધનભાઈ ધામેલીયા, શ્રી ભુપતભાઈ સોલંકી, શ્રી કિશોરભાઈ શાહ, શ્રી દિનેશભાઈ ભૂવા, શ્રી સુભાષભાઈ બાંભરોલીયા, શ્રી શ્રીમતી રમાબેન મકવાણા, શ્રીમતી મીનાબેન સોજીત્રા, ચીફ ઓફિસર શ્રી રબારી, મામલતદાર શ્રી વડુકિયા, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા શિક્ષક સંઘ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગને સફળ બનાવવા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્ર બગથરિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી અને તેમના દ્વારા આભારવિધિ પણ કરવામાં આવેલ હતી કાર્યક્રમનું સંચાલન નવનીતભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.