લોકોને સ્થળાંતર કરવા અપિલ કરતા પ્રફુલ પાનસેરિયા
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ નલીયા તાલુકાના કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોની મુલાકાત લીધી હતી. બંને મંત્રીએ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાપરગઢ, મોટી સિંધોડી, કડુલી અને જખૌ ગામ ખાતે સરપંચઓ, આગેવાનઓ અને ગ્રામજનો સાથે મિટિંગ કરી હતી.
આ તમામ નાગરિકો દરિયાકાંઠાના નજીકના વિસ્તારના રહેવાસીઓ હોય સલામતી માટે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા શેલ્ટર હોમ્સમાં ખસી જવા અનુરોધ કર્યો હતો. બિપરજોય વાવાઝોડું ભારે પવનના લીધે વિનાશ સર્જી શકે છે, કાચા મકાનો પડી શકે છે એ બાબતની ગંભીરતા મંત્રીશ્રીએ ગામજનોને સમજાવી હતી. તેઓએ સ્થાનિક કર્મચારીઓને ગામ લોકો સાથે સતત સંપર્કમાં રહીને શેલ્ટર હોમ્સમાં તમામ જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય છે. આ વાવાઝોડું કચ્છના નલીયા, અબડાસા અને લખપતના કાંઠાના વિસ્તારોમાં ત્રાટકે એવી સંભાવના છે.
બિપરજોય વાવાઝોડાની આપદામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરી રહી છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ વિવિધ ગામડાઓની મુલાકાત લઈને સરકારી તંત્રને સહયોગ આપવા ગામજનોને અપીલ કરી હતી. પિંગલેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવીને જન સુખાકારી માટે મંત્રીઓએ પ્રાર્થના કરી હતી.
વાવાઝોડાનો ખતરો નહીં ટળે ત્યાં સુધી શેલ્ટર હોમ્સમાં જ રહેવું હિતાવહ
શેલ્ટર હોમ્સમાં જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
જખૌ ખાતેના કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત સાયક્લોન શેલ્ટર હોમ્સની મુલાકાત લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જાત નિરીક્ષણ કર્યું હતું. પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ્સમાં કોઈપણ સુવિધાઓની જરૂર પડે તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપક કરવો. તેઓએ મુલાકાત દરમિયાન મહિલાઓ, બાળકો સાથે સંવાદ કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. શેલ્ટર હોમ્સમાં રહેવા, જમવાની કેવી સુવિધાઓ છે અને તેમાં કોઈ સૂચનો હોય તો પણ જણાવવા પ્રભારીમંત્રીએ સ્થળાંતરિત નાગરિકોને અપીલ કરી હતી.