ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા દુષ્કાળ હવે ભૂતકાળ બનશે: મંત્રી આર.સી.મકવાણા
અબતક પ્રદીપ ઠાકર, અમરેલી
રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા નિરંતર થઈ રહેલી વિકાસયાત્રા હેઠળ યોજાઈ રહેલા ’,વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત અમરેલીના ખેડૂત તાલીમ ભવન ખાતેસામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં રુ.51.149 કરોડના ખર્ચે જિલ્લાના 35 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાએ જણાવ્યુ હતુ કે, ’રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર નિરંતર વિકાસકાર્યો કરી રહી છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના નીર ભરવાનું કામ થઈ રહ્યું છે, જેના લીધે દુષ્કાળ હવે ભૂતકાળ બનશે. જરુરિયાતને ધ્યાને લઇ રજૂઆત હતી તે ગ્રાહ્ય રાખી સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારના બીજા ડેમોનો સમાવેશ કર્યો. આ ડેમોનો ઉમેરો થતાં હવે ખેડૂતોને સિંચાઈ માટે તેમાં નર્મદાના નીરનો લાભ મળી શકશે. શેત્રુંજી ડેમ સુધી નર્મદાના નીર પહોંચી ગયા છે અને ખાલી રહેલા ડેમોને ભરવાનું કામ પણ આ યોજનામાં કરવામાં આવશે. દરિયા પટ્ટીના વિકાસ માટે રાજ્ય સરકારે પગલાં લીધા. સાગરકાંઠા વિસ્તારના ગામોમાં દરિયાના પાણીના ક્ષારના કારણે હીજરત કરવાની ફરજ પડે તેમ હતી.
આજે આ વિસ્તારોના ડેમોમાં નર્મદાના નીર આવતા લોકોને શુદ્ધ અને મીઠું પીવાનું પાણી મળી રહ્યું છે.કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્ઘબોધન કર્યુ હતુ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક વિકાસકાર્યોની વિગતો અને માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન સાવલીયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરુવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અમરેલી પ્રાંત સહિતના અધિકારી ઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.