કૃષિ વિભાગ પછી મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ફિશરીઝ વિભાગમાં ચેકિંગ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વહિવટી સુશાસન અને વિભાગોની કાર્યક્ષમતા વધે તે માટે દરેક મંત્રીઓને પોતાના વિભાગની કચેરીઓની સમિક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે. આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઇ પટેલે ફિશરીઝ વિભાગમાં સવારે 10.30 વાગ્યે એકાએક સરપ્રાઇઝ વિઝીટ લઇ કચેરીમાં ફરજ પરના અધિકારી-કર્મચારીની હાજરી સમિક્ષા કરી હતી. મંત્રીના આગમનના પગલે ફિશરીઝ કચેરીમાં સવારના પ્હોરમાં જ ચહલ-પહલ મચી ગઇ હતી.
સ્ટાર્ટીંગ અવરમાં કચેરીમાં કર્મચારીઓની આવક ચાલુ હતી. કેટલાંક કર્મચારીઓની સાથે કચેરીના વડા તરીકે ચાર્જમાં રહેલા આઇ.એ.એસ. અધિકારી નિતીન સાંગવાન પણ હજુ કચેરીએ પહોંચ્યા ન હતાં. મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે દરેક મંત્રીઓને પોત-પોતાના વિભાગોની કાર્યક્ષમતાની ચકાસણી અને કચેરીના કર્મચારીઓ સાથે સંકલનની વડાપ્રધાને ખાસ સૂચના આપી છે.
રાઘવજીભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મારી સરપ્રાઇઝ ચેકીંગનો હેતુ માત્ર કચેરીમાં હાજરી અને વ્યવસ્થા જોવાનો જ હેતુ પૂરતી નથી. દરેક વિભાગમાં પાયાના કર્મચારીથી લઇ અધિકારીગણ સુધીના વહિવટી પ્રશ્ર્નો, સમસ્યાના ઉકેલ માટે પણ ધ્યાન આપવાનું છે. અધિકારી-કર્મચારીઓની સમયસર ફરજ પર હાજર રહેવાની જવાબદારીનું પાલન કરવાની સૂચનાની સાથેસાથે તેમના કારણોની પણ સમિક્ષા કરવામાં આવશે.
આજે સનદી અધિકારી નિતીન સાંગવાનની ઓફિસે ન પહોંચવાની બાબત અંગે મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે જવાબદાર અધિકારી શા માટે ઓફિસે સમયસર પહોંચ્યા ન હોય તેમાં અનેક અન્ય કારણ પણ જવાબદાર હોય શકે. રસ્તામાં વિલંબ અને અન્ય જવાબદારીઓના ભારણ જેવા પરિબળો પણ ધ્યાને લેવા જોઇએ.
સરપ્રાઇઝ ચેકીંગ દ્વારા મંત્રીઓ મારફત સરકાર કચેરીઓની કાર્યક્ષમતા વધારવાની સાથેસાથે કર્મચારી-અધિકારીના વહિવટી, પારિવારિક પ્રશ્ર્નોના ઉકેલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાઘવજીભાઇ પટેલના મત્સ્ય ઉદ્યોગની કચેરીએ સરપ્રાઇઝ ચેકીંગના અહેવાલોના પગલે કર્મચારી-અધિકારીઓ એલર્ટ બની ગયાં છે.