- સી.સી.રોડનું કામ, આંગણવાડી, ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, બસ સ્ટેશનના કામો અંગે ચર્ચા કરવામાં આવી
- કોર્પોરેશન, જાડા, જિલ્લા પંચાયત, માર્ગ-મકાનના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા
- રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તેઓને આવેલી રજુઆતો અને નાગરિકોને લગત પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી લોકોની સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા માટે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી પરામર્શ કર્યો હતો.
- મહાનગર પાલિકાના પ્રશ્ર્નો જેમાં વોર્ડ નં.6ના તિરુપતિ-1, પુષ્પક પાર્ક સોસાયટીમાં સી.સી. રોડનું કામ, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સપ્લાય અંગે તેમજ મહાદેવના મંદિર પાસે સીટી બસનો સ્ટોપ આપવો, આંગણવાડીનું કામ, વોર્ડ નં.4મા ભૂગર્ભ ગટરનું અને વોર્ડ નં.1મા પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
જાડાના મંજૂર થયેલા કામો, નાઘેડી, ખીમલિયા, આવાસના કામોના હપ્તા આપવા અંગે, નાઘેડીથી મેઈન હાઇવે સુધીનો રસ્તો બનાવવા અંગે, દરેડ ગામે માધ્યમિક સ્કૂલને જોડતા સીસી રોડનું કામ કરવા અંગેના પ્રશ્ર્નોની ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ જાડાના અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રશ્ર્નો જેમાં નવા નાગના તથા જુના નાગના વચ્ચે બ્રિજના કામનું તથા ખોજા બેરાજા ગામના બ્રિજનું સ્ટેટ્સ, ખારવા -બેરાજા – ઈટાળા રોડ રીકાર્પેટ કરાવવો, બાલાચડી, નાની બાણુગાર ગામે રસ્તાના કામો, આંગણવાડીના કામો, લોકોના વેરા પહોચ અંગેના પ્રશ્ર્નો, વોર્ડ નં.6મા ગોવર્ધન ગ્રીન સોસાયટીમા, વોર્ડ નં.7મા પીવાના પાણી અંગેની રજૂઆતોનો નિકાલ લાવવો જેવા મુદ્દાઓ પર લગત અધિકારીઓ સાથે ચર્ચા કારી કામો ઝડપથી પુરા કરવા જણાવ્યું હતું. એસટી વિભાગના પ્રશ્ર્નો જેમાં જોડિયા ખાતે તાલુકા સ્તરનું બસ સ્ટેશન બનાવવા અંગેના કામનું સ્ટેટસ, મોટી ખાવડી ગામે બસ સ્ટોપ આપવા અંગે એસટી વિભાગના અધિકારીને જણાવ્યુ હતુ. કલેક્ટરની કચેરીને લગતા પ્રશ્ર્નો જેમાં બાકી બિલોનું ચુકવણું તેમજ જામનગર ખાતે નવું એસટી બસ સ્ટેન્ડ મંજૂર થયેલ હોય વૈકલ્પિક જગ્યા નક્કી કરવા અંગે ચર્ચા કરી હતી. માર્ગ અને મકાન વિભાગને લગત પ્રશ્ર્નોમાં લાલપુર બાયપાસથી સમાણા રોડ, આલિયાથી કાલાવડ રોડ, કનસુમરાથી મસીતિયા રોડ, જાયવાથી ભેંસદડના રોડનાં કામો ત્વરીત પૂરા કરવા જણાવ્યું હતું.
માવાપર-નાના ગરેડીયાના ગ્રામજનોના પ્રશ્ર્નોના સુખદ સમાધાન માટે આશ્ર્વાસન આપતા રાઘવજીભાઇ પટેલ
મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ એપીએમસી ખાતે મંત્રીએ માવાપર અને નાના ગરેડિયા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્ર્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્ર્વાસન આપ્યું હતું.
સર્કિટ હાઉસ ખાતે લોકોની રજૂઆતો સાંભળી
મંત્રી રાઘવજીભાઇ પટેલે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્ર્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્ર્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્ર્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્ર્નોના નિરાકરણનું માધ્યમ બને છે.