સોમનાથ જેવા ધાર્મિક સ્થળ નજીક હોવાથી પર્યટકોને મળી શકશે વધુ સુવિધા
સોમનાથ જિલ્લામાં પ્રવાસનને વેગ મળ્યો છે ત્યારે સરકાર દ્વારા કોડીનાર તાલુકાને વધુ એક ભેટ આપવામાં આવી છે. કોડીનારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે અંદાજીત 5 કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કોન્ટ્રાક્ટર એસોસિએશને મોમેન્ટો આપી મંત્રીનું સન્માન કર્યું હતું. મંત્રીએ રિબિન કાપી તક્તિનું અનાવરણ કર્યુ હતું.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની અંદર માર્ગ અને મકાનની ભૂમિકા એકબીજાને જોડવાની છે. કનેક્ટિવિટીનું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રવાસન, શૈક્ષણિક, સામાજીક કે ધંધાકીય અર્થે જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઝડપી ટ્રાન્સપોર્ટેશન અગત્યનું છે. ઓછા સમયમાં ઝડપી ટ્રાન્સપોર્ટેશન થાય તે માટે વિવિધ માર્ગોના કામ પૂરઝડપે કાર્યરત છે. આઝાદીના 75 વર્ષ પછી પણ જે અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓની સુવિધા નથી એવા 414 વિસ્તારોને ઓળખી 500 કરોડના ખર્ચે રસ્તાની સગવડ આપવામાં આવશે તેમજ સુત્રાપાડા-ધામળેજ, સામતેર-બેડિયા-કંટાળા, તાલાલા-જામવાડા, કોડીનાર-સુત્રાપાડા રોડની રિસર્ફેસિંગ અને સમારકામ કરવાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત મંત્રીશ્રીએ વિશ્રામગૃહનો ઉલ્લેખ કરી વધુ પ્રવાસીઓ લાભ લે એવી અપીલ કરી હતી.
કોડીનાર તાલુકામાં 512-ક્વાર્ટર સામે, બાયપાસ રોડ પર નવનિર્મિત વિશ્રામગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરવામાં આવેલ છે. કુલ 2045.00 ચો.મી. બિલ્ટઅપ એરીયામાં પથરાયેલા આ વિશ્રામગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 4 ડિલક્ષ રૂમ, 3 વીઆઈપી રૂમ, 1 કોન્ફરસ હોલ (કેપેસીટી16), 1 વીઆઈપી ડાઈનીંગ રૂમ (કેપેસીટી24), 1 જનરલ ડાઈનીંગ (કેપેસીટી3ર), 1 રીસેપ્શન રૂમ આવેલા છે. જ્યારે તથા ફર્સ્ટ ફલોરમાં 2 વીઆઈપી સ્યુટરૂમ, 3 વીઆઈપી રૂમ, 1 ડિલક્ષ રૂમ, 2 ડોરમેટરી અને 1 વીઆઈપી લાઉન્જ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણાએ પ્રાંત અધિકારી જ્વલંત રાવલ, સરપંચઓ, આગેવાનો અને અગ્રણીઓ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.