પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યુ
73 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પધારેલા માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ ધ્વજવંદન કાર્યક્રમ બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વિવિધ વિકાસ કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતુ.
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઝીરો પોઇન્ટ નજીક બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે બોર્ડર ટુરીઝમને વિકસાવવાનો તા. ૨૪ ડિસેમ્બર-૨૦૧૬ના રોજ સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સીમા દર્શનનો આ પ્રોજેક્ટ રૂ. ૧૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામી રહ્યો છે જેના કામો પૂર્ણતાની આરે છે.
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે સીમા દર્શન અંતર્ગત વિકસાવાયેલ રૂ. ૧૨૫ કરોડના કામો પૂર્ણતાના આરે
સીમા દર્શન પ્રોજેક્ટ એ એક અનોખો કાર્યક્રમ છે જેમાં સ્થાનિક લોકોની રોજગારી સાથે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા ભારતીય સીમાના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અને સ્થાનિક માહિતીનો સુભગ સમન્વય છે. આ સીમા દર્શન કાર્યક્રમ અન્વયે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને નડાબેટ- ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.
આ સીમા દર્શન પ્રોજેક્ટ થકી ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દ્રશ્યો સર્જાશે.
સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ થતાં દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી
ચેતના પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દ્રશ્યો સર્જાશે
આ પ્રસંગે સીમા દર્શન પ્રોજેક્ટના ઇન્ચાર્જશ્રી કેયુર શેઠે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીને સીમા દર્શન પ્રોજેક્ટ વિષે માહિતગાર કરતાં જણાવ્યું હતુ કે, આ પ્રોજેકટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમા દર્શન માટે ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ ટુરીઝમના કામો કરવામાં આવ્યા છે.
જેમાં વિશાળ પાર્કિગ, આગમન પ્લાધઝા, ૫૦૦ માણસોની બેઠક વ્યવસ્થા સાથેનું ઓડિટોરીયમ, ચેન્જિગ વ્યવસ્થા અને રૂમ, સ્ટેજ, શોવિનિયર શોપ, દુકાનો અને રેસ્ટોરન્ટ, ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા, અજેય પ્રહરી સ્મારક, બી.એસ.એફ. બેરેક, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમની જેમાં ૪ થી ૫ હજાર માણસોની બેઠક વ્યવસ્થા, રીટેઇનીંગ વોલ, ૩૦ મીટર ઉંચો ફ્લેગ, ડેકોરેટિવ લાઇટિંગ વર્ક, સોલાર ટ્રી અને સોલાર રૂફટોપ લગાવવામાં આવી છે.
રાષ્ટ્રવભાવનાને ઉજાગર કરવા નડાબેટ ખાતે જુના લશ્કરી શસ્ત્રો (વોર વેપન) લશ્કરના જુદા જુદા વિભાગો સાથે સંલગ્નમાં રહીને ટી- જંક્શન થી ઝીરો પોઇન્ટ વચ્ચે મીગ- ૨૭ એરક્રાફ્ટ, ટોરપિડો, સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, આર્ટિલરી ગન, ટેન્ક ટી-૫૫ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં સહેલાણીઓ માટે એ/વી એક્સપિરિયન્સ ઝોનમાં ટાઇમ ટુ રીફ્લેક્ટ ૩૬૦° પ્રોજેક્શન ઓફ ૭ મીનીટ્સ ડોક્યુમેન્ટ્રી ઓફ ૧૯૭૧ વોર, બી.એસ.એફ. ક્વીઝ, ૧૮૦° ફોટોબુથ, સોલ્જર ફોટોબુથ, ગાર્ડીયન ફોટોબુથ, છકડા ફોટોબુથ, હેલ્મેટ સેલ્ફીબુથ, જોશ મીટર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે.
અહીં આવતા પ્રવાસીઓની સુવિધાઓ માટે અને તેઓ એડવેન્ચર માણી શકે તે માટે રોડ ક્લાઇમ્બિગ, રેપ્લિંબગ, ફ્રી વોલ, જીપલાઇન, સ્કાય સાઇકલ, રોકેટ ઇંજેક્ટર, હ્યુમન સ્લિંગશોટ, એટીવી રાઇડ, ગ્લાન્ટ સ્વિંગ, પેઇન્ટ બોલ, કમાંડો કોર્સ, લો રોપ કોર્સ, હાઇ રોપ કોર્સ, એર રાઇફલ શૂટિંગ, ક્રોસબો શૂટિંગ સહિત બાળકો માટેની જંગલ જિમ, સ્લાઇડો, રોક ક્લાઇમ્બિંગ વગેરે પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
ભારત કે વીર- શહીદોની ફેમિલી માટે ડોનેશન કરવાનું બુથ, જોઇન ધ ફોર્સ- બી.એસ.એફ. જોઇન કરવા માટે યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન, એન્ટ્રી ગેટ, ટી- જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી બસ દ્વારા પ્રવાસીઓને લઇ જવા- લાવવાની વ્યવસ્થા, ટ્રોય ટ્રેન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
મંત્રીની મુલાકાત પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલ, બી.એસ.એફ.ના અધિકારીઓ, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, ઉમેદદાન ગઢવી સહિતના પદાધિકારીઓ અને સબંધિત અધિકારીઓ ઉપસ્થિીત રહ્યા હતા.