-
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ: પ્રફુલ પાનશેરિયા
-
છેલ્લા બે વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા રાજ્યના ૩૨,૮૩૯ વિદ્યાર્થીઓને રૂ.૧૩૪.૦૩ કરોડની સહાય ચુકવાઈ
ગુજરાત સમાચાર
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તા.૭મી ઓક્ટોબર ૨૦૧૫થી અમલી બનાવવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા રાજ્યના ૩૨,૮૩૯ વિદ્યાર્થીઓને રૂ.૧૩૪.૦૩ કરોડની સહાય ચુકવવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૪,૩૬૬ વિદ્યાર્થીઓને રૂ.૯૮.૯૨ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૮,૪૭૩ વિદ્યાર્થીઓને રૂ.૩૫.૧૧ કરોડની સહાય ચુકવવામાં આવી છે.