ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને ચૂંટણીનો થાક વર્તાયો હોય તેમ ગઈકાલે તબિયત લથડી હતી.
રાજયમંત્રી તથા જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની ગઈકાલે અચાનક તબિયત બગડી હતી અને તેઓને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જો કે, તેઓનું સ્વાસ્થ્ય હાલ સારૂ હોવાનું જાણવા મળે છે.
હકુભા ગઈકાલે પંચાયત ચૂંટણીના પ્રચાર માટે વ્યસ્ત હતા ત્યાં જ તેમનું સ્વાસ્થ્ય કથળતા અને તાવ અને ડાયેરિયા જેવી તકલીફો થતાં તેઓને તાત્કાલિક જીજી હોસ્પિલે ખસેડ્યા હતાં.
પક્ષના પ્રમુખ સી.આર.પાટીલ જામનગર જિલ્લાના પ્રવાસે હતા તેમની સાથે પણ વ્યસ્ત હતા અને પહેલા મહાપાલિકામાં પણ તેઓએ સતત પ્રચાર કર્યો હતો. જેનો થાક હવે વર્તાતો હોવાનું જણાવ્યું છે અને એકંદરે તેઓને કોઈ મોટી તકલીફ નથી.
હકુભા જાડેજાએ ખુદે તેમના સમર્થકોને કોઈ ચિંતા નહી કરવા માટે અનુરોધ કર્યો હતો અને બહુ જલ્દી તે ફરી લોકોની વચ્ચે આવી જશે તેવું જણાવ્યું હતું. હાલ ચૂંટણી પ્રવાસે રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલે ફોન કરી હકુભા જાડેજાના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી.