લોકોની સલામતીની દરકાર લેતા રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન મંજૂરી
પશ્ચિમ કચ્છના નવરચિત માધાપર પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇ-શુભારંભ કરાવ્યો હતો. જેમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે પ્રેરક હાજરી આપી હતી.કચ્છમાં કાયદો અને વ્યવસ્થા વધું સુસજ્જ કરવા અને લોકોની સલામતીની દરકાર લેતા રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનને મંજૂરી મળી છે અને હાલ 26 ગામડાઓનો સમાવેશ કરી પ્રથમ પી.આઇ. જશોદાબેન લેઉવા સહિત કુલ 58 અધિકારી-કર્મચારીઓના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશનનો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ડિજિટલ ઉપસ્થિતી તેમજ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારનો ટ્રાન્સપોર્ટેશન, રેસ્ટોરન્ટ, બેંક તેમજ પ્રવાસન વગેરે ક્ષેત્રોમાં વિકાસ થઇ રહયો હોવાથી આ પોલીસ સ્ટેશન સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થતાં પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર કચ્છની સલામતી અને સુરક્ષામાં વધારો થશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અમલીકરણ ઝડપી બને તે માટે આ નવુ પોલીસ સ્ટેશન ખુબ જ ઉપયોગી નીવડશે.આ તકે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે છેલ્લાં બે મહિનામાં કચ્છને આ ત્રીજું નવું પોલીસ સ્ટેશન મળ્યું છે જેથી હું ગુજરાત સરકાર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરૂં છું.
આ તકે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, આ નવું પોલીસ સ્ટેશન શરૂ થતા માધાપરના વિકાસકામોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે જે માટે સરકારનો આભાર માનું છું. આજે સુરક્ષા સલામતિની સાથે ક્યાંક ને ક્યાંક ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે ઘર આંગણે જ પોલીસ સ્ટેશન મળતા માધાપર સહિત 26 ગામોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહેશે. આ ઉપરાંત માધાપરની વિરાંગનાઓને તેમણે 1971થી સ્ત્રી સશક્તિકરણ નું ઉદાહરણ ગણાવ્યું હતુ.
આ તકે ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ આજે તમામ નવી ટેકનોલોજી સાથે સજ્જ છે. ટેકનોલોજીની સાથે ક્રાઇમનું પ્રમાણ વધ્યું તો પોલીસ વિભાગ પણ ટેકનોલોજી દ્વારા સજ્જ બન્યું. ત્રીજી આંખ(સીસીટીવી) વગેરે જેવા સાધનોથી ક્રાઇમ શોધી કાઢવાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે અને એની સાથે કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નવા પોલીસ સ્ટેશનનો શુભારંભ એ ખૂબ જ અપેક્ષિત હતું.
સાયબર ક્રાઈમ અને અભયમ હેલ્પલાઇન વગેરે જેવી કામગીરીને જોતાં પોલીસની કાર્યક્ષમતા માં ઉત્તરોઉત્તર વધારો થયો છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કાયદાઓ કાગળિયા પર નહિ જતા ખરેખર સમાજમાં સ્થાપિત બને તે માટે પોલીસ વિભાગ અને પ્રજાએ સંયુક્ત રીતે પ્રયાસ કરવા જોઈએ.આ તકે બોર્ડર રેન્જ-ભુજના મહાનિરીક્ષક જે.આર.મોથલીયાએ જણાવ્યું હતું કે, આ નવા પોલીસ સ્ટેશનના નિર્માણ થકી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં હજી વધારો થશે અને કાયદો તેમજ વ્યવસ્થાની જાળવણી વધુ સારી રીતે થઇ શકશે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે કર્યુ હતું તો આભરવિધિ ભુજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલે કરી હતી.
આ પ્રસંગે ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ભુજ એપીએમસીના ચેરમેન કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, આઈબીના જાડેજા તેમજ પોલીસ ખાતાના વિવિધ અધિકારી તેમજ કર્મચારીઓ અને માધાપર અને આસપાસના ગામોના ગ્રામજનો અને માધાપરની વિરાંગના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.