- સહકાર એટલે વિશ્વાસ અને જનભાગીદારી થકી વિકાસ: સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા
- વડાપ્રધાનના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને ચરિતાર્થ કરીને ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
- ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ વર્ગના કલ્યાણથી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે
- સહકારી પ્રવૃત્તિ “ડબલિંગ ઓફ ફેમિલી ઇનકમ”ના સિદ્ધાંત ઉપર કાર્યરત
- ગુજરાતના પાંચ દૂધ સંઘો દ્વારા રાજ્ય બહાર વિવિધ સ્થળોએ કુલ 18 પ્લાન્ટ સ્થપાયા
- રાજ્યમાં ૮૭,૦૦૦થી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૧.૭૧ કરોડ જેટલા સભાસદો જોડાયા; દર ચોથો ગુજરાતી સહકારી સંસ્થાનો સભાસદ
- ગત એક વર્ષમાં સહકારી મંડળીઓના ૫૭,૫૭૪થી વધુ સભાસદોને તાલીમ અપાઈ
- ખેડૂતોની સહકારી મંડળી-પેક્સને અદ્યતન તથા સુદ્રઢ કરવા પ્રથમ તબક્કામાં 5000 વધુ પેક્સની પસંદગી
- સહકાર વિભાગની રૂ.૧૫૧૫.૭૮ કરોડની માંગણી આજે વિધાનસભા ગૃહમાં પસાર
ગુજરાત સમાચાર : વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં જ ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી તથા રાજકોટ ડેરીના વિવિધ પ્લાન્ટના રૂ. ૯૫૮ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર વર્ગના કલ્યાણથી વિકસિત થવાનું છે. એટલા। માટે જ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ‘GYAN’: G-ગરીબ, Y-યુવા, A-અન્નદાતા (કિસાન), N-નારી શક્તિનું સૂત્ર આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, છેવાડાના માનવીનું કલ્યાણ થાય અને તમામનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખભેથી ખભા મિલાવીને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહી છે. જરૂરિયાતમંદ પરિવારના કલ્યાણની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત સતત અને અવિરત પ્રયત્ન કરી રહી છે.આગવા વિઝન અને મિશનથી સહકાર ક્ષેત્રને સાચા અર્થમાં વાઇબ્રન્ટ બનાવનાર સહકારી નીતિ, સહકારી યુનિવર્સિટી, પેક્સ કોમ્પ્યુટરરાઈઝેશન, નેશનલ કો ઓપરેટિવ ડેટાબેઝ પોર્ટલ જેવા નવા આયામો ઊભા કરી સરકાર અને સહકાર શુભ સમન્વય સાધનાર કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ “સહકાર થી સમૃધ્ધિ”ના મંત્રને આત્મસાત કરી આગળ વધી રહ્યો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ “ડબલિંગ ઓફ ફેમિલી ઇનકમ”ના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ પ્રવૃત્તિ સાથે પુરુષ અને મહિલા બંને જોડાય છે, તેથી પરિવારની બેવડી આવક ઊભી થાય છે અને વિકાસ પણ બમણો થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સતત માર્ગદર્શનમાં ગુજરાતના પાંચ દૂધ સંઘો દ્વારા રાજ્ય બહાર વિવિધ સ્થળોએ કુલ 18 પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં પંચમહાલ દૂધ સંઘ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ, માલેગાવ, મધ્યપ્રદેશના ઉજ્જૈન, ભોપાલ, જબલપુર અને છત્તીસગઢના દુર્ગ,મહેસાણા દૂધ સંઘ દ્વારા હરિયાણાના માલેસર, ધારુહેડા અને અંબાલા ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બનાસ દૂધ સંઘ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી, કાનપુર, લખનઉ અને ફરીદાબાદ, સાબરકાંઠા દૂધ સંઘ દ્વારા હરિયાણાના રોહતક, તેલંગાણાના હૈદરાબાદ તેમજ રાજસ્થાનના જયપુરમાં જ્યારે સુરત દૂધ સંઘ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર અને ગોવા ખાતે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ,મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે,સમગ્ર રાજ્યમાં ૮૭,૦૦૦ કરતાં વધુ સહકારી સંસ્થાઓ સાથે ૧.૭૧ કરોડ જેટલા સભાસદો જોડાયેલા છે. એમ પણ કહી શકાય કે, દર ચોથો ગુજરાતી સહકારી સંસ્થાનો સભાસદ છે. સહકાર વિભાગ પોતાની રૂઢિગત પરંપરાઓ અને વિચારસરણીમાંથી બહાર આવીને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સભાસદોના હિતમાં મહત્તમ કાર્યો કરી રહ્યો છે. જેના ભાગરૂપે, ગુડ ગવર્નન્સ, સહકારી મંડળીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન, નેશનલ કો ઓપરેટિવ ડેટાબેઝ પોર્ટલ, ઈ કો-ઓપરેટીવ પોર્ટલ, નાણા ધીરનાર ધીરદારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, બોર્ડ ઓફ નોમીનીઝ અને અપીલ કેસોનું ઓનલાઇન સ્ટેટસ જેવા પગલાઓ લીધા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને આ નાણાકીય વર્ષમાં કુલ પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે રૂ.૧૩૭૧ કરોડની ચુકવણી કરવામાં આવી છે.આ નાણાકીય વર્ષની રૂ.૧૦૦૦ કરોડની ખેડૂતોને વ્યાજ સહાય ચૂક્વવાની યોજનાનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે. ગત એક વર્ષના સમયમાં જ સહકારી મંડળીઓના ૫૭,૫૭૪થી વધુ સભાસદોને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં ઇનોવેટીવ પ્રકારની સહકારી મંડળીઓની માહિતીનો પણ સમાવેશ થાય છે.રાજ્યમાં ઈનોવેટીવ એટલે કે, નવીન પ્રકારની સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવી છે. જેવી કે.. કમ્પ્યુટર ઓપરેટર, ડ્રાયવર અને હોમ-કેર વગેરેનો સમાવેશ થાય છે.આવી ઈનોવેટીવ મંડળીઓની નોંધણી માટે સરકાર દ્વારા મોડેલ પેટા નિયમો (બાયલોઝ) પણ તૈયાર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે,ખેડૂતોને જમીનના મહેસુલી રેકર્ડ જેવા કે, 7/12 તેમજ સરકારની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા તથા અન્ય ખેડૂતલક્ષી માહિતી મળે તે હેતુથી રાજ્યની 61 બજાર સમિતિઓમાં ખેડૂત સહાય કેન્દ્ર આ સરકારની રચનાના 60 દિવસમાં જ કરવામાં આવેલ છે. તેમજ બાકીની APMC માં આગામી સમયમાં ખેડૂત સહાય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું છે કે ગામડાઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે જોડવા.ખેડૂતોની સહકારી મંડળી એટલે પેક્સ, આ મંડળીઓને અદ્યતન તથા સુદ્ર્ઢ બનાવવાનું બીડું કેંદ્ર સરકાર અને ગુજરાત સરકારે ઝડપ્યું છે, ત્યારે પ્રથમ તબક્કામાં 5000 વધુ પેક્સની પસંદગી કરવામાં આવેલ છે, જેમાં આગામી સમયમાં ડીઝીટલ કામગીરી માટે કમ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર પૂરા પાડવામાં આવનાર છે, જે એક નવા યુગની ગ્રામ્ય ક્ષેત્રે શરૂઆત કરાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે,બે દિવસ પહેલાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી તથા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે સહકારીતા ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અન્ન ભંડારણ યોજના અને PACS નું કોમ્પ્યુટરાઈઝેશનની શરૂઆત કરાઈ.• 11 PACS ગોડાઉનનું લોકાર્પણ તેમજ 500 PACS ના ગોડાઉનનું ખાતમુર્હત કરીને સહકારથી સમૃધ્ધિની દિશામાં એક નવો અધ્યાય જોડાયો છે.PACS ના કોમ્પ્યુટરાઈઝેશનથી ક્રેડીટ, બચત ખાતા અને બેંકિંગ સુવિધાઓ જેવી સેવાઓ ગ્રામ્ય સમુદાયો સુધી પહોંચવાની છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી એ સહકારી સંસ્થાઓ વચ્ચે સ્પર્ધાત્મકતા સ્થાપિત કરવા પર પણ ખાસ અનુરોધ કર્યો છે. જે ખૂબ નોંધનીય બાબત છે. ગુજરાત રાજ્યમાં પેક્સ, ફીશરીઝ, દૂધ મંડળીઓની તથા હાઉસીંગ તેમજ અન્ય મંડળીઓની ઓનલાઇન વિગતો માટે ભારત સરકાર દ્વારા પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં રાજય સરકારના સહયોગથી વિગતો ભરવામાં આવેલ છે.
સહકાર રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, તમામ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રારને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે, તથા તમામ નોડલ અધિકારીની કચેરીને કેટલાક ઈન્ટર્ન્સની ફાળવણી કરવામાં આવેલ છે કે જેઓએ ડેટા એન્ટ્રી કરેલ છે, રાજ્યમાં 81 હજાર થી વધુ સહકારી મંડળીઓની ડેટા એન્ટ્રી થયેલ છે, આમ મહત્તમ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ સહકારી મંડળીઓની નોંધણી માટેના પોર્ટલ પર વર્ષ 2017 થી અત્યાર સુધીમાં 11 હજાર થી પણ વધારે સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવેલ છે. સહકાર વિભાગ દ્રારા પણ સહકારી મંડળીઓ તથા નાણા-ધીરધાર સંલગ્ન કામગીરીને વધુ સુવ્યસ્થિત કરવા માટે ભૂપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે ઇ-કોઓપરેટીવ પોર્ટલનું લોંચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 7099 નાણા ધીરધાર કરનારાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે, જ્યારે બોર્ડ ઓફ નોમીનીઝ ના કુલ 340 લવાદ કેસોની અપીલ પૈકી 203 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, બજાર સમિતિઓમાં ઓકશન શેડ, આંતરીક પાકા રસ્તાઓ, માર્કેટીંગ યાર્ડ, ફેન્સીંગ દિવાલ ગેટ સાથે, ખેડૂત કેન્ટીન, ઓફિસ બિલ્ડીંગ, શોપ કમ ગોડાઉન, લાઈટ વ્યવસ્થા, ફાર્મિગ ટેસ્ટીંગ સેન્ટર, શૌચાલય અને બાથરૂમ, ખેડૂત ગોડાઉન સહિતની વિવિધ માળખાગત સુવિધાઓ પુરી પાડવાના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે.જે માટેની અત્યાર સુધી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રાજયની કુલ-188 બજાર સમિતિઓને રૂ.333.53 કરોડ જેટલી માતબરની સહાય ચુકવવામાં આવેલ છે.બજાર સમિતિઓને આધુનિકરણ માટે રૂ.77.46 કરોડ જેટલી સહાય ચુકવવામાં આવી છે.
કોરોના સમયમાં નાના વેપારીઓ અને જરૂરીયાતમંદને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 અને 2 અમલમાં મુકી છે. જેમાં અત્યાર સુધી 2,06,290 લાભાર્થીઓને રૂપિયા 2506.99 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે.જે માટે રાજ્ય સરકાર દ્વારા 288.31 કરોડની વ્યાજ સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે,નાના વેપારીઓને આપવામાં આવેલ આ લોન માટે કોઈ જામીનગીરી લેવામાં આવી નથી અને વર્ષ 2020માં આપેલ આ લોનો સંપૂર્ણ સમય મર્યાદામાં પરત મળેલ છે. જે ગુજરાતના નાના વેપારીઓની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.
ખેડુતોએ બનાવેલ ગોડાઉન ઉપર ગોડાઉન બાંધકામના 25% મુજબ કેપીટલ સબસીડી મહત્તમ રૂ.5.00 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત લાભાર્થીઓને રૂ.32.91 કરોડની સહાય આપવામાં આવેલ છે. રાજ્યમાં ખેડૂતોની પાક સંગ્રહની કરવાની ક્ષમતામાં 2,36,000 મેટ્રીક ટનનો વધારો થયેલ છે, જે અમારી સરકારની અભૂતપૂર્વ સિદ્ધિ છે.
તેમણે કહ્યું હતું કે,બનાસડેરી, એન.ડી.ડી.બી. અને સુઝુકી વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિપૂર્ણ કરે છે. એન.ડી. ડી.બી., સુઝુકી અને બનાસ ડેરીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કોમ્પ્રેસ્ડ બાયો મિથેન ગેસ પેદા કરવા માટે ગોબરથી સંચાલિત થતા 4 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે એમ.ઓ.યુ. કર્યા છે. જે માટે સુઝુકી 230 કરોડ રૂપિયા ફાળવશે. ચારમાંથી પ્રત્યેક પ્લાન્ટની દૈનિક ક્ષમતા 100 ટન હશે, કુલ 4,00,000 કિલો છાણ દરરોજ એકત્રિત કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે,આ પહેલના ભાગરૂપે,બાયોસીએનજીના વેચાણની સુવિધા માટે આશરે ચાર સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આનાથી બનાસકાંઠાના ખેડૂતોને માત્ર સેન્દ્રિય ખાતર જ નહીં પરંતુ રાસાયણિકમાંથી જૈવિક ખાતરમાં પરિવર્તનને પણ સમર્થન મળશે.આ પ્રોજેક્ટ “વેસ્ટ ટુ વેલ્થ” ને “વેસ્ટ ટુ એનર્જી” સુધી વિસ્તારવામાં મદદરૂપ થશે. ઓટોમોબાઈલ અને ડેરી સેક્ટર એકબીજાના સહયોગથી કાર્ય કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે બનાસ ડેરી જમીનની વ્યવસ્થા અને પ્લાન્ટનું સંચાલન કરશે. કોમ્પ્રેસ્ડ બાયો મિથેલ ગેસ ઉત્પન્ન કરવા માટે બાયો ગેસનું શુધ્ધિકરણ કરી તેને કોમ્પ્રેસ્ડ કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, બાયોગેસ પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલ સ્લરીનો ઉપયોગ જૈવિક ખાતરનું ઉત્પાદન કરવા માટે કરવામા આવશે. જે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા તેમજ સોઈલ ક્વોલીટી સુધારવામાં મદદરૂપ થશે. દૂધ સંઘ દ્વારા ખેડૂતોના ઘરેથી ડોર ટુ ડોર છાણનું એકત્રીકરણ કરવામાં આવશે. તેમજ ખેડૂતોને 1 રૂપિયા પ્રતિ કીલો પ્રમાણે વળતર પણ ચુકવવામાં આવશે. આમ, ખેડૂતોને દૂધના રૂપિયા તો મળશે જ પરંતુ છાણના રૂપિયા પણ મળશે.અમારી સરકાર અન્ન દાતાને ઊર્જા દાતા બનાવવાની સાથે ઊર્વરક દાતા બનાવવા પર ભાર મૂકી રહી છે. અમે ખેડૂતોને સોલર પંપ માટે મદદરૂપ થઈ રહ્યા છીએ. ગોબરધન યોજનાના માધ્યમથી પશુપાલકો પાસેથી ગોબર પણ ખરીદવામા આવે છે. આ ગોબરથી ડેરી પ્લાન્ટમાં વીજળી પેદા કરવામાં આવે છે. અને બાયપ્રોડક્ટ તરીકે મળેલ જૈવિક ખાત ખૂબ જ ઓછી કિંમતે ખેડૂતોને પરત આપવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે,દેશની 5 ટ્રીલીયન ઈકોનોમીમાં અગ્રેસર ગુજરાત બને તે દિશામાં આપણે પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકાર થી સમૃદ્ધિ”ના સંકલ્પને પરીપૂર્ણ કરવા તેમજ રાજ્યના તમામ ખેડૂતો સહકારી બેંક સાથે જોડાય તે હેતુસર રાજ્યમાં બનાસકાંઠા અને પંચમહાલ જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.સહકારી સંસ્થાઓના તમામ નાણાંકીય વ્યવહારો માત્ર સહકારી બેંકો દ્વારા જ થવા જોઈએ અને સહકારી ક્ષેત્રના આર્થિક સંસાધનોનો ઉપયોગ સહકારી ક્ષેત્રના ઉત્થાન માટે જ થવો જોઈએ અને સહકારી સંસ્થાઓમાં સહકાર વધવો જોઈએ. ગામે ગામ માઈક્રો એટીએમ થી ઘરે બેઠા જ રૂપિયા મળી રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 4 લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે તેમજ 700 કરોડથી વધુ થાપણો મેળવેલ છે અને 3.20 લાખ ડેબીટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ટૂંકી મુદતનું રૂ.3 લાખ સુધીનું ધિરાણ 0 ટકા એ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2022-23 માં રૂ.1611 કરોડની વ્યાજ રાહત ચુકવાયેલ છે. અને વર્ષ 2024-25 ના વર્ષમાં સદર યોજનામાં બજેટમાં રૂા.1140 કરોડની જોગવાઈ સુચવેલ છે. રાજયમાં જિલ્લા/તાલુકા ખરીદ વેચાણ સંઘો આર્થિક રીતે વધુ મજબુત બને અને તેના થકી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય અને વધુ સારી ઉત્તમ સેવાઓ મળી શકે તે માટે આ સંઘોને તેમના વિવિધ પ્રોજેક્ટ માટે 50 % કેપીટલ સહાયની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
તેમણે કહ્યું હતું કે,રાજ્યમાં ખેડૂતો તથા ખેડુતો માટેની સહકારી મંડળીઓને અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા ગોડાઉન બાંધવા માટેની 25% કેપીટલ સબસીડીની સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે. આજે સહકાર વિભાગની રૂ.૧૫૧૫.૭૮ કરોડની માંગણી વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.