વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાયા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ કૃષિમંત્રી આર.સી.ફળદુએ તુવેર, ચણા અને રાયડાની ખરીદી વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રી પણ હોવાથી અમરેલી જિલ્લાની પરિસ્થિતિ મુખ્યમંત્રીને જણાવીને રાજ્યમાં અન્ય જિલ્લામાં લોકડાઉનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને પોતાના જિલ્લામાં પરત લાવવા માટેની વ્યવસ્થા વિશે રજૂઆત કરી હતી.