મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા અમદાવાદ-સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ પ્રદર્શન-વેચાણનું આયોજન ૧૬ ડીસેમ્બર સુધી કરાયું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સ્ટોલ નં ૨૦થી ૨૪ની મુલાકાત ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી. છેલ્લા છ દાયકાથી ગ્રામ્ય વિસ્તારની આર્થિક-સામાજિક વંચિત બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા થઈ રહ્યું છે જે ખાસ ઉલ્લેખનીય છે.
૩૦ વર્ષથી ખાદી ક્ષેત્રે કાર્યરત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગ ડાભી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સહુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતુ. ધારાસભ્યો જગદીશભાઈ પંચાલ, અરવિંદભાઈ પટેલ અને બાબુભાઈ જે. પટેલ, પૂર્વ મંત્રી માધુભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્યો ભરતભાઈ પંડ્યા અને તેજસ્વીનીબેન પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ પઢેરિયા, શિક્ષણ સમિતિના ચેરમેન કિરીટસિંહ ડાભી અને પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરિયા, સભ્યો મહાદેવભાઈ દેસાઈ, અશોકભાઈ ગોહિલ, વર્ષાબેન રાણા, સદસ્ય સચિવ કે. એસ. ટેલર અને વહીવટી અધિકારી રાજેશ્રીબેન ગઢવી, ગૂર્જરી-ગુજરાતના ચેરમેન શંકરભાઈ દલવાડી, અગ્રણીઓ પ્રવીણસિંહ મોરી, શૈલેષભાઈ દાવડા, નવદીપભાઈ ડોડીયા, વિક્રમભાઈ ચૌહાણ, જતીનભઈ ધીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓને પણ સહુ બિરદાવી હતી. ૧૯૩૦ના ઐતિહાસિક ધોલેરા સત્યાગ્રહ અને ઝવેરચંદ મેઘાણી રચિત ૧૫ શૌર્ય ગીતોના પુસ્તક ‘સિંધુડો’ને ૦૬ એપ્રિલ ૨૦૨૦માં ૯૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે તે અવસરે વિશેષ આયોજન અંગેનો વિચાર વિમર્શ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ પંડ્યા, પિનાકી મેઘાણી અને ગોવિંદસંગ ડાભીએ કર્યો હતો. નવી પઢીને ખાદી પહેરવા અને ખરીદવાની પ્રેરણા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી.