બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર: ગાંધીનગરમાં ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ ૧૯૯૯ અને વર્ષ ૨૦૦૮માં થયું હતું.
આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.
આ સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફિલ્ડ ડે નાં દિવસે ૬,૦૦૦ ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં ૧૧ વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે ૧૭૦ ટકાનો વધારો થયો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પોટેટો કોન્કલેવ-ર૦ર૦નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, બટાટાની કુલ ૪ લાખ ટનની નિકાસમાં ગુજરાત એકલું ૧ લાખ ટન જેટલો હિસ્સો આપે છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વમાં બદલાતી જતી ખાન-પાન પદ્ધતિ અને પ્રોસેસ્ડ ફૂડની વધતી માંગ સામે બટાટા ઉત્પાદનમાં વેલ્યુએડીશન અને અદ્યતન પાક પદ્ધતિની જરૂરિયાત આવશ્યક છે.
આ સંદર્ભમાં તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો કે, વિશ્વના વિવિધ દેશોના બટાટા ઉત્પાદકો-પ્રોડયુસરોનું આ ગ્લોબલ કોન્કલેવમાં થનારૂં વૈચારીક આદાન-પ્રદાન ઉપયુકત બની રહેશે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં યોજાઇ રહેલી આ કોન્કલેવ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યુ કે, અગાઉ માત્ર શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતા બટાટામાંથી હવે ફ્રેન્ચ ક્રાઇસ, પોટેટો ચિપ્સ, કયુબ્સ ગ્રેન્યુઅલ જેવી વસ્તુઓ પણ બનતી થવાથી વેલ્યુએડીશન ગ્લોબલ માર્કેટ મળ્યું છે.
તેમણે ગુજરાતના બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાટા પાકના વિપૂલ ઉત્પાદનની વિગતો આપતાં કહ્યું કે, બટાટાની ખેતીમાં માઇક્રો ઇરીગેશન અંતર્ગત ૧.૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પાછલા દોઢ દશકમાં બટાટાનું ઉત્પાદન ૮ ગણું વધી ગયું છે તેમ જણાવી ઉમેર્યુ કે, ૬ લાખ મેટ્રિક ટનથી આ ઉત્પાદન ૩૭ લાખ મે.ટન પર પહોચ્યું છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦ને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, આ વૈશ્વિક કોન્ફરન્સ ખેડૂતો, તજજ્ઞો, સંશોધકો અને ઉદ્યોગ જગતના લોકોને તેમના સંશોધનો અને વિચારોના આદાન-પ્રદાન માટેની ઉમદા તક પૂરી પાડશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં આપના દ્વારા જે વિચાર મંથન થશે અને જે નિષ્કર્ષ આવશે તે માટે ભારત સરકાર ચોક્કસ વિચારશે અને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે.
કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંમેલન ગુજરાતની ધરતી પર આયોજીત કરવા બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, શાકભાજીમાં રાજાનું સ્થાન ધરાવતા બટાટાનું ઉત્પાદન સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છે. કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોની સમજને કારણે આ રાજ્ય બન્યું છે. હજુ બટાટાની ખેતીમા સંશોધનો થાય તે આવશ્યક છે. દેશમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ જોતા ડાયાબિટીસને નિયંત્રીત કરવા માટે પણ કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધનો કરવા જરૂરી છે. બટાટામાં શર્કરાનું પ્રમાણ વધે હોય છે ત્યારે હવે સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેના સંશોધન કરવા પણ રૂપાલાએ કૃષિ સંશોધકોને આહવાન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સંમેલન થકી આવી અનેક સમસ્યાઓના ઉકેલ આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આઇ.સી.એ.આર.ના સચિવ ત્રિલોચનસિંહ મહાપાત્રએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સંમેલનમાં કૃષિ મંત્રી આરસી.ફળદુ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ ક્ષેત્રે સંકળાયેલા વિભાગના અધિકારીઓ, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, કૃષિ સંશોધકો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.