જસદણ તાલુકાના જસાપર ગામ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પેટા આરોગ્ય કેન્દ્ર જસાપરની શુભ શરૂઆત મંત્રી બાવળીયાએ રિબિન કાપીને કરી હતી.
પેટા આરોગ્ય કેન્દ્ર જસાપર ૧૦૦ ચો.મી જગ્યામાં રૂ ૨૦ લાખના ખર્ચે સંપૂર્ણ સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, એક્ઝામીન ટેબલ, વોટર ક્લોરિનેશન, દવાઓ અને રસીકરણની સુવિધા, માહિતી-શિક્ષણ-પ્રત્યાયનનો ઉપયોગ કરીને જનજાગૃતિ ફેલાવવા માટેની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા જન હિતાર્થે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનો લાભ જસાપર ગામની ૩૦૦૦ની વસ્તી ઉપરાંત આસપાસના ૮ ગામડાઓના લોકોને જેનો સીધો લાભ મળશે.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને આરોગ્ય વિષયક સુવિધા તેમના ઘર આંગણે મળી રહે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જસદણ વિંછીંયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વિકસાવવા મહત્તમ સબ આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારના લોકોએ હંમેશા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવી રાહ ચિંધી છે. દરેક ક્ષેત્રમાં આ તાલુકો વિકાસના નવા-નવા અનેક મુકામો હાંસલ કરી રહ્યો છે. આ પ્રસંગે સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોધરા અને પ્રાંત અધિકારી એ.એચ.ચૌધરીએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું.