રાજ્યના પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ પંકમાં રૂ. ૬૫ લાખથી વધુના વિવિધ વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે આરોગ્ય, પીવાનું પાણી અને રોડ રસ્તાની સુવિધા ગામડે ગામડે છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ પંકમાં વિકાસકામોની અવિરત સરવાણી વહેતી કરવામાં આવી હોવાનું અને રાજ્ય સરકારની એકપણ ગ્રાન્ટ વપરાયા વગર નો રહી જાય તેની તકેદારી રાખીએ તેમ જણાાવ્યું હતુ.
જસદણ તાલુકાના બરવાળા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર પેટાઆરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટરને મંત્રી બાવળિયાએ ખુલ્લું મુક્તા જણાવ્યું હતું કે, આ પંકમાં કુલ ૪૬ પૈકી ૨૯ સેન્ટર કાર્યરત થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આયુષ્માન ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા દર ત્રણ કિલોમીટરે એક આરોગ્ય કેન્દ્ર બનાવવાની નેમ રાજ્ય સરકારે લીધી છે. આ સેન્ટર ખાતે કોરોનાના ટેસ્ટ, નિદાન અને પ્રાથમિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઇએ કનેસરા, રાણીંગપર અને રંજીતગઢ ખાતે પ્રતિ રૂ. ૧૪ લાખના ખર્ચ સાથે કુલ રૂ. ૪૨ લાખના ખર્ચે નિર્મિત પંચાયત ઘરની ભેટ ગ્રામજનોને આપતા જણાવ્યું હતું કે, પંચાયત ઘરમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ થયેલ ડિજિટલ સેવા સેતુ યોજનાનો લાભ ગામમાંથી જ લોકોને મળી રહેશે. હવે જરૂરી દાખલાઓ ગ્રામપંચાય ઘર ખાતેથી સરળતાથીઉપલબ્ધ થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કનેસરા ડેમ – ૨ ની મુલાકાત લીધી હતી. અને લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહેતે માટે યોજના હાથ ધરાઇ હતી. ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણ પ્રંસગે તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઇ, રામજીભાઈ, ગ્રામ પંચાયત પ્રમુખ પ્રાગજીભાઈ કુકડીયા, સરપંચ હસમુખભાઈ હાંડા, તાલુકા વિકાસ અધિકારી સી.ડી. ભગોરા, મામલદાર આઈ.જી. ઝાલા, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આરોગ્ય અધિકારી ડો. સી.કે.રામ સહીત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.