• સૌની યોજના વિભાગ હેઠળના લિન્ક-3 પેકેજ-8ના રૂપિયા 393.67 કરોડનાં બે કામો પૂર્ણ
  • જળસંપત્તિ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સિંચાઈ યોજના વિભાગના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  કુવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સૌની યોજના તેમજ રાજકોટ સિંચાઈ યોજના વિભાગના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બહુમાળી ભવન ખાતે રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરની કચેરી ખાતે હાલમાં જ યોજાયેલી બેઠકમાં, બંને વિભાગની કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જણાવાયું હતું કે, સૌની યોજના વિભાગ-રાજકોટ હેઠળના રૂપિયા 393.67 કરોડનાં બે કામો પૂર્ણ થઈ ગયાં છે. જ્યારે રૂ.181.17 કરોડનાં કામો હાલ ચાલુ છે. ઉપરાંત રૂ. 3258.83 કરોડનાં 10 કામો આયોજન હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં રાજકોટ, ગોંડલ, કોટડાસાંગાણી તાલુકામાં સૌની યોજના લિન્ક-3 પેકેજ-8ના રૂ.264 કરોડના કામો સંપન્ન થઈ ગયા છે. જ્યારે રાજકોટ-જામનગર જિલ્લામાં રાજકોટ, લોધિકા, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી તથા કાલાવડ તાલુકામાં સૌની યોજના લિન્ક-3 પેકેજ-9ના રૂ. 128.71 કરોડના કામો પૂર્ણ થઈ ગયા છે.

રાજકોટ તથા બોટાદ જિલ્લાના જસદણ, વિંછિયા તથા બોટાદ તાલુકાને સાંકળતી લિન્ક-4ના પેકેજ-9ના રૂ.181.17 કરોડના કામો હાલ ચાલુ છે. જેમાં 35 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના 45 ગામો તેમજ મોરબી જિલ્લાના 11 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ આપવાના કામો હાલ પ્રગતિમાં છે અને ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત અન્ય આઠ મળીને 10 જેટલાં રૂ. 3258 કરોડનાં કામો આયોજન હેઠળ છે.

મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાએ ચાલુ કામો તેમજ આયોજન હેઠળના કામોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અધિકારીઓને કામગીરી ઝડપથી આગળ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રેયસ હરદેયા, રાજકોટ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર સુશ્રી પ્રેક્ષા ગોસ્વામી, રાજકોટ સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભાવિન ભીમજીયાણી, સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.