- તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ ૧૩૬૧ આદિજાતિ કન્યાઓને લાભ અપાયો
- કુટુંબ દીઠ બે દીકરીઓની મર્યાદામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા રૂ.૧૨,૦૦૦ સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.
ગુજરાત ન્યૂઝ : વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે,અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ બે દીકરીઓની મર્યાદામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા રૂ.૧૨,૦૦૦ સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ ૧૩૬૧ આદિજાતી કન્યાઓને લાભ અપાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન- ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બાજરાના પાકમાં નિદર્શન માટે રૂ. ૨.૭૮ કરોડનો ખર્ચ કરાયો: કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ
વિધાનસભા ગૃહમાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન- ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકના નિદર્શન બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૩ ને આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેના કારણે દેશભરમાં મિલેટ્સનું ઉત્પાદન અને ઉપયોગીતા વધી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન- ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકમાં ૫,૫૭૧ નિદર્શન આપવામાં આવ્યા છે. આ નિદર્શન પેટે રૂ. ૨,૭૮,૮૦, ૧૭૯ નો ખર્ચ કરવામાં આવ્યો છે.