‘વિશ્વાસથી વિકાસયાત્રા’ કાર્યક્રમ યોજાયો
અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે આનંદભુવન, વઢવાણ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોનાં વિશ્વાસને સરકારે વિકાસમાં ફેરવ્યો છે. વિશ્વાસથી વિકાસની આ યાત્રા છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી વણથંભી રહી છે. લોકોએ સરકારમાં મૂકેલા વિશ્વાસને સાર્થક ઠેરવતા આજે રાજ્યના અને દેશના વિકાસ માટે શિક્ષણ, પીવાનાં પાણી, સ્વાસ્થ્ય, આવાસ સહિતની જનહિતલક્ષી સુવિધાઓ અને યોજનાઓ ક્ષેત્રે અવિરત વિકાસકાર્યો થઈ રહ્યા છે, જેનાથી લોકોનાં જીવનધોરણમાં પહેલાની તુલનાએ ઘણો વિકાસ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ગઈ કાલે પ્રાંત કક્ષાનાં રૂ. 30.97 કરોડનાં 1032 કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત અને આજે રૂ. 37.34 કરોડનાં 10 કામો મળી કુલ રૂ. 68.31 કરોડનાં કુલ 1042 કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને કામનાં પગલે વૈશ્વિક સ્તરે ભારતની છબી અને અન્ય દેશોનાં ભારત તરફનાં વલણમાં આવેલ હકારાત્મક ફેરફારની તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અંગે વાત કરી હતી. ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતે સાધેલી પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો તેમજ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્યે વટેશ્વર વન સહિતનાં સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ નગરપાલિકામાં થયેલ પ્રજાલક્ષી કાર્યો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સ્વાગત કલેકટર કે. સી સંપટ તથા આભારવિધી જિલ્લા વિકાસ અધિકારી પી.એન મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, અગ્રણીસર્વ, જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, શંકરભાઈ વેગડ, હિતેન્દ્રભાઈ ચૌહાણ, દિલીપભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.