હીરાસર એરપોર્ટ, એઇમ્સ, રેલવે ડબલિંગ પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ અંગે અધિકારીઓ પાસેથી મંત્રી રાઘવજી પટેલે ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સુચનાઓ આપી
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તથા કૃષિ અને પશુ પાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે પધાર્યા છે. તેઓએ કલેકટર કચેરી ખાતેથી તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા.
રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે અહીં તેઓએ સવારે જડ્ડુસ ચોક ખાતે ઓવરબ્રીજ સહિતના રાજકોટના રૂ.140 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત તેમજ 690 આવાસોનો ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ કરાયો તે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે તેઓએ મંત્રી ભાનુબેન બાબરીયા સાથે જડ્ડુસ બ્રીજનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
આ વેળાએ જિલ્લાના અધિકારીઓ તથા શહેરના અધિકારીઓ સાથે મંત્રીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે તમામ વિકાસ લક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેઓએ હીરાસર એરપોર્ટ, એઇમ્સ અને રેલવે ડબ્લિંગ સહિતના પ્રોજેક્ટ અંગે અધિકારીઓ પાસેથી ઝીણવટ ભરી તમામ
વિગતો મેળવી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ વેળાએ જિલ્લા ક્લેકટર અરુણ મહેશ બાબુ, અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર તેમજ ડીડીઓ, પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.