કોર્પોરેશનના વિકાસકામોની પ્રગતિથી શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સંતુષ્ટ સમયસર પ્રોજેક્ટ શરૂ થાય અને પૂર્ણ થાય તે માટે કોર્પોરેટરો પણ પ્રયાસ કરે

અબતક, રાજકોટ

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી હાલ રાજકોટની મુલાકાત પર છે. ગઇકાલે સાંજે તેઓએ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નગરસેવકો સાથે એક સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં તેઓએ લોકોના પ્રશ્ર્નો ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે નગરસેવકોને ટકોર કરી હતી. લોકોની સુવિધા વધારતા પ્રોજેક્ટ સમયસર શરૂ થાય અને પૂર્ણ તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સક્રિય રહેવું જોઇએ તેવી તાકીદ કરી હતી.રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અને રાજકોટ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હાલ શહેરમાં પ્રગતિમાં રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં પદાધિકારીઓ અને કોર્પોરેટરો સાથે પણ એક મીટિંગ યોજી હતી.

આ બંને બેઠકમાં વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, તેમજ ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રીઓ કિશોરભાઈ રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર, મનપા શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.પ્રોજેક્ટ્સ રિવ્યુ મીટિંગમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રગતિમાં રહેલા વિવિધ ઓવરબ્રિજ, આવાસ યોજના, રૈયાધાર અને જેટકો ખાતેના વોટર ફિલ્ટર પ્લાન્ટ, ન્યારી ઈ.એસ.આર., ડિજિટલ હાઈ-વે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટર્શીયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, “રામ વન” અર્બન ફોરેસ્ટ, આજી રિવર ફ્રન્ટ, તેમજ પીએમ સ્વનિધિ વગેરેના કામો અંગે પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો.

આ તકે કમિશનરે વર્ષ 2022-23ના બજેટમાં સમવિષ્ટ વિકાસ કાર્યો અંગે પણ મંત્રીને માહિતી આપી હતી. સાથોસાથ એમ પણ જણાવ્યું હતું કે, બજેટમાં સમાવેશ કરેલા પ્રોજેક્ટ્સ અને અન્ય કામો અંગેનાં એસ્ટીમેટ એપ્રિલમાં તૈયાર કરી લેવાશે. કમિશનરે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા “એઈમ્સ” ને જોડતા 30 મિટરના રોડ તેમજ અન્ય બ્રિજ અંગે પણ માહિતી આપી હતી.વિશેષમાં કમિશનરે “નલ સે જલ” યોજના હેઠળ થયેલી કામગીરીથી મંત્રીને માહિતગાર કર્યા હતાં. શહેરમાં નવા ભળેલા વિસ્તારો મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર/મનહરપુર-1 માટેની પાણી પુરવઠા યોજના અનુસંધાને થઇ રહેલી કામગીરી, સર્વે અને ડી.પી.આર. અંગે પણ વિગતો રજુ કરી હતી. આ પ્રોજેક્ટ્સ રિવ્યુ મીટિંગમાં નાયબ કમિશનરો, સિટી એન્જિનિયરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી સંતુષ્ટિ સાથે તંત્રવાહકોની મહેનતની સરાહના કરી હતી.પદાધિકારીઓ અને કોર્પોરેટરો સાથેની મીટિંગમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એમ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચાડી આ કામ કર્યાનો સંતોષ મેળવવો જોઈએ. લોકોએ કોર્પોરેટરોને પાંચ વર્ષ માટે ચૂંટીને મોકલ્યા છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને તેઓના કામો માટે સંતોષ મળે એવા શકય તમામ પ્રયાસો કરવા જ જોઈએ. ગુજરાતમાં 28 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે લોકોનો ભાજપ પરનો વિશ્વાસ જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે.

શહેરના વિકાસ માટે જરૂરી એવા વિકાસલક્ષી કામ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ પણ થાય તે માટે કોર્પોરેટરોએ પ્રયાસો કરવા જોઈએ. ભાજપ સરકાર ગરીબો અને વંચિતોની પ્રગતિ માટે કટિબદ્ધ છે અને અત્યાર સુધીમાં ઘણા કામો કર્યા છે. કોર્પોરેટરોએ શહેરના વિકાસકામોની સાથોસાથ સામાજિક સેવા કાર્યોમાં પણ લોકોની સાથે રહી તેમાં ભાગ લેવો જોઈએ. કોર્પોરેટરો સમક્ષ લોકોની એક પછી એક સમસ્યા કે પ્રશ્ન આવતા જ રહેવાના છે અને લોકો કોર્પોરેટરો સમક્ષ જ પોતાની વાત રજુ કરતા હોય છે. તેઓના પ્રશ્નોના ઉકેલ લાવવા કોર્પોરેટરોએ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.