હિતેશ રાવલ, સાબરકાંઠા:
ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરના બોલુંન્દ્રા ગામે કાલભૈરવનું પ્રથમ શિખરબંધી મંદિર આવેલું છે. ગઇકાલે કાળી ચૌદસ નિમિતે અહી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. કાલભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે ૭૪૧ દિવાની વિશેષ આરતી યોજાઇ હતી જેમાં ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર સહિત પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સાબરકાંઠા સહિત રાજસ્થાનથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. કાળી ચૌદસ નિમિત્તે યોજાતી 741 દીવાની વિશેષ આરતીનું વિશેષ મહત્વ હોવાના પગલે ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઉમટે છે. ત્યારે આ પ્રસંગે ખાસ હાજર રહેલા ગુજરાત પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે આજના દિવસે તમામ ભાવિક ભક્તોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય તેમજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુખ-સમૃદ્ધિમાં વધારો થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે.
આ સાથે હાજર રહેલા પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વગુરુ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે તેમજ છેલ્લા પાંચ દિવસમાં સમગ્ર વિશ્વ ભારતની વાતને સ્વીકારી રહ્યું છે તેમજ દુનિયામાં કાળો કેર મચાવનાર કોરોના મહામારી દૂર થાય તેવી કાલભૈરવ ભગવાન પાસે માંગ કરી હતી આ પ્રસંગે યોજાયેલી આરતીમાં હાજર રહેવાની તકને જીવનની અમૂલ્ય અવસર સમાન ગણાવી હતી.