અબતક, ઋષિ મહેતા, મોરબી
મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વધુ લોકભોગ્ય બનાવવા માટે મોરબી ખાતે રૂા.પ00-કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બનવા જઇ રહી છે. ત્યારે મોરબી વિસ્તારમાં આરોગ્ય વિષયક આનુષંગિક સુવિધાઓ વધુ ઘનિષ્ઠ બને તે માટે મોરબી માળીયા(મી) વિસ્તારના માનનીય ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સમક્ષ અગાઉ રજુઆતો કરેલી તે અંતર્ગત માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે ચાચાવદરડા ગામના સર્વેનંબરમાં રૂા.3.5 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ અંગેની સત્તાવાર જાણકારી આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે આપી છે. તે બદલ બ્રિજેશ મેરજાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો છે.
પિપળીયા ચાર રસ્તા કેન્દ્ર એવું છે કે, જ્યા આમરણ ચોવીસીના ગામો, મોરબી તાલુકાના ગામો અને માળીયા(મી) તાલુકાના ગામોના ત્રિભટે આવેલ સ્થળ છે ત્યાં રૂા.3.5 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થવાથી અનેક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જોગાનુજોગ મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે તે જ દિવસે રૂા.3.5 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોતાના મત-વિસ્તારના લોકોને ભેટ અપાવવામાં બ્રિજેશ મેરજા સફળ રહયા છે, તે બદલ જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેખરીયા, માળીયા(મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા, મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાસડિયા, માળીયા(મી) તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા ભાજપા મહામંત્રીઓ જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ અને રણછોડભાઇ દલવાડી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા સહિતના આગેવાનઓએ બ્રિજેશ મેરજાને ખાસ અભિનંદન પાઠવ્યા છે.
આ તકે બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા(મી) વિસ્તારના મતદારોના આર્શીવાદ થકી ધારાસભ્ય બન્યો અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્ય સી.આર.પાટીલજી તથા ભાજપાના શીર્ષત્વ નેતૃત્વના આર્શીવાદના ભાગરૂપે ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે કામ કરવાની તક મળી ત્યારે સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યાક્ષ જયંતિભાઇ કવાડીયા, સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયા, મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઇ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર તથા જિલ્લા ભાજપા હોદેદારો તથા સુજ્ઞ-આગેવાનઓના સાથ-સહકાર અને સહયોગથી વિત્યુ વર્ષ એક કામ કર્યા અનેક મંત્રને ચરિતાર્થ કરવામાં ઉપરોકત સૌ કોઇના આર્શીવાદ અને સહયોગ સાંપડયા છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી છે.