પાણીના જથ્થાની માહિતી મેળવી લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે જોવા સુચના અપાઈ
રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અને સમગ્ર સૌરાષ્ટ્રને નહેરો મારફત પાણી પુરૂ પાડતી કેનાલોની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ કેનાલોના નેટવર્કની પાણીની વહન કરવાની તેની ક્ષમતા, બ્રાંન્ચ કેનાલો અને તેની સુરક્ષા માટે લેવાયેલા પગલાની વિગતો નર્મદા અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઢાંકી પમ્પીંગ સ્ટેશનની ચારસો કી.મી.ની પાઈપ લાઈન મારફત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પહોચાડાઈ રહયું છે. જેમાં ઢાંકીથી ધોળીધજા ડેમ સુધી પાંચ પમ્પીંગ સ્ટેશનો દ્વારા ૭૨ મીટર ઉંચાઈ સુધી પાણી લીફટ કરવામાં આવે છે.
આ તબકકે મંત્રીશ્રીએ સુરેન્દ્રનગર ખાતે આવેલ ધોળીધજા ડેમની પણ મુલાકાત લીધી હતી અને ડેમની માહિતી મેળવી હતી. તથા સૌની યોજના હેઠળ રાજકોટ તથા સૌરાષ્ટ્રના ડેમ કેવી રીતે ભરી શકાય તેની સંપૂર્ણ વિગતો મેળવી હતી.
મંત્રીશ્રીએ આ તબકકે નર્મદા અને પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે, આગામી ઉનાળાના કપરા સમયમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે મુજબનું આયોજન અત્યારથી જ કરવું જોઈએ.
ત્યારબાદ મંત્રીશ્રીએ બાળા અને રાજપરા ખાતે આવેલ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તાંત્રિક બાબતોની ખાસ જાણકારી મેળવી હતી.