લોકોને રોડ, પાણી, લાઈટ આરોગ્ય જેવી સુવિધાઓમાં મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા પર સુચના
વાહન વ્યવહાર વિભાગના રાજયકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં મંત્રીશ્રી રૈયાણીએ રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. અને અધૂરા પ્રોજેકટસને ઝડપથી પૂર્ણ કરવા સબંધિત વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી.
આ પ્રસંગે હિરાસર એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, રિજિઓનલ સાયન્સ મ્યુઝિયમ, વિવિધ ઓવરબ્રીજ, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિકટ કોર્ટ, પ્રવાસન સ્થળોના વિકાસ વગેરે સહિતના પ્રગતિ હેઠળના વિકાસકામોની સમીક્ષા મંત્રી રૈયાણીએ કરી હતી. લોકોને પાયાની સુવિધા જેવી કે રોડ, પાણી, વીજળી, આરોગ્યની સુવિધા માટે મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને કાર્યરત રહેવા મંત્રીએ સુચના આપી હતી. સમગ્ર મિટીંગનું સંચાલન કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ કર્યુ હતું.
આ બેઠકમાં સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર સહિતના પદાધિકારીઓ, અગ્રણી કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, મ્યુ. કમિશનર અમિત અરોરા, પીજીવીસીએલ એમ.ડી. વરૂણ બરનવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કેતન ઠકકર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.