ભાજપનો ખેસ નાંખી મતદાન કરવા જતા આચારસંહિતા ભંગનો કેસ થયો હતો
ગત વિધાનસભાની ચૂંટણીના તા.9/12/17ના યોજાયેલ મતદાનમાં તત્કાલીન ભાજપ ઉમેદવાર અને હાલના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પાર્ટીનો ખેસ ગળે રાખીને મતદાન કર્યા બાબતે આચારસંહિતા ભંગના કેસમાં અદાલતે અરવિંદભાઇ રૈયાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, હાલના રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણી સને 2017માં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકોટ પૂર્વના ઉમેદવાર હતા ત્યારે તા. 9/12/17ના રોજ મતદાન વખતે વહેલી સવારના મતદાન મથકે મતદાન કરવા ગયેલ ત્યારે પોતાના ગળામાં પાર્ટીના ચિન્હવાળો ખેસ પહેરીને આવેલ હોય આચાર સંહીતાનો ભંગ કરેલ હોય તે સંબંધની ફરીયાદ પ્રિસાઈડિંગ ઓફીસર રમેશભાઈ ધોળકીયાએ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં પોલીસે નિયમો મુજબ અરવિંદભાઈ રૈયાણીની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી.
તેમાં અદાલતે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ – 130 મુજબ ચાર્જ ફરમાવેલ, સરકાર પક્ષે 6 સરકારી સાહેદો તથા તપાસનીશ અધીકારીને તપાસેલ તથા દસ્તાવેજ પુરાવા રજુ રાખેલ તેમજ તમામ સાહેદોએ ફરીયાદીના કેસને સમર્થન આપેલ. મંત્રી રૈયાણી તરફે રોકાયેલા એડવોકેટ દ્વારા તમામ સાહેદોની વિગતવારની ઉલટતપાસ કરવામાં આવેલ અને દલીલો ક2વામાં આવી હતી.
તેમાં તમામ સાહેદોની જુબાની તથા પડેલ પુરાવા તથા દલીલોને ધ્યાનમાં લઈ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, આ ક્રમમાં કલેક્ટર તરફથી ફરિયાદ કરવાની સુચના આપેલ હોય તેવું કોઈ રેકર્ડ રજુ થયેલ નથી, તેમજ ક્યા પક્ષનો, કઈ પાર્ટીનો, કેવા કલરનો ખેસ પહેરેલ હતો, તેવી કોઈ હકિકત રેકર્ડ ઉપર આવતી નથી. આવો કોઈ ખેસ તપાસના કામે કબજે કરવામાં આવેલ નથી, તેમજ મતદાન મથકે સી.સી.ટી.વી. કેમેરામાંથી કોઈ પુરાવો મેળવી રજુ કરવામાં આવેલ નથી, અને મતદાન પૂર્ણ થયા બાદ ફરિયાદ કરવામાં આવેલ હતી જે મોડી ફરીયાદ સંબંધનો કોઈ ખુલાસો આપવામાં આવેલ નથી. આમ તે પ્રકારનું અવલોકન કરી ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે સાબિત કરી શકેલ ન હોય હાલના મંત્રી અરવિંદભાઈ રૈયાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં હાલના ધારાસભ્ય તેમજ વાહન વ્યવહાર ખાતાના મંત્રી અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણી વતી એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ , અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોશી રોકાયા હતા.