ચાર દિવસ શાળા-કોલેજોમાં અભ્યાસક્રમ બંધ: કચેરીઓમાં પણ રજાનો માહોલ: કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અધુરી સિન્ડીકેટ મળશે, શુક્રવારથી યુનિવર્સિટીમાં પણ ચાર દિવસની રજા
સાતમ-આઠમનાં તહેવારો નિમિતે આજથી શાળા-કોલેજોમાં રજા જાહેર થતાં હવે ચાર દિવસ સુધી સર્વત્ર રજાનો માહોલ જોવા મળશે. આજે મોટાભાગની હોસ્ટેલનાં વિદ્યાર્થીઓ જન્માષ્ટમીનાં તહેવાર નિમિતે પોતાનાં વતન જવા માટે ઉપડી ગયા હતા. સરકારી કચેરીઓમાં પણ આજથી રજાનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વાત કરીએ તો અગાઉ મળેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અધુરી સિન્ડીકેટ આવતીકાલે મળશે અને ત્યારબાદ શુક્રવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાર દિવસનું જન્માષ્ટમીનું વેકેશન પડશે એટલે કે સાતમથી દસમ સુધી અભ્યાસક્રમ બંધ રહેશે. મંગળવારથી શાળા-કોલેજ, યુનિવર્સિટી અને તમામ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થશે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનાં તહેવારનું વિશેષ મહત્વ હોય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં જુદા જુદા શહેરોમાં જન્માષ્ટમીનાં તહેવાર નિમિતે લોકમેળા યોજાતા હોય છે. આ લોકમેળાનાં કારણે સ્થાનિક રજા જાહેર કરીને શાળા-કોલેજોમાં તા.૨૬મી સુધી રજા રહેશે. આ દિવસો દરમિયાન સરકારી કચેરીઓમાં પણ રજાનો માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર-યુનિવર્સિટી દ્વારા જન્માષ્ટમીનાં તહેવારોને અનુલક્ષીને ૪ દિવસની સળંગ રજા આપવામાં આવી છે. શાળા-કોલેજ, યુનિવર્સિટીમાં ચાર દિવસ સુધી અભ્યાસક્રમ ઠપ્પ થઈ જશે. જન્માષ્ટમીનાં તહેવાર નિમિતે સૌરાષ્ટ્રમાં રાંધણછઠ્ઠથી જ શરૂ થતા જતા હોય છે. જન્માષ્ટમીનાં તહેવાર નિમિતે લોકો આજુબાજુનાં ફરવા-લાયક સ્થળોમાં મીની વેકેશન માણવા જતા હોય છે ત્યારે આ વખતે બે રાંધણછઠ્ઠ હોય એક દિવસની વધુ રજા અપાતા ખાસ તો વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા છે અને જન્માષ્ટમીનાં તહેવાર માણવા માટે રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમીનાં તહેવારોમાં ફરવા જવા એસ.ટી.બસોમાં મુસાફરોનો ધસારો
જન્માષ્ટમીનાં તહેવારોમાં સહપરીવાર ફરવા જવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થયેલા જન્માષ્ટમીનાં પર્વ નિમિતે એસ.ટી.બસ સ્ટેન્ડમાં મુસાફરોનો ખાસ્સો એવો ઘસારો જોવા મળ્યો હતો. એસ.ટી.બસમાં ભીડથી બચવા ઘણા બધા મુસાફરોએ તો એડવાન્સ ટીકીટ બુકિંગ કરાવી લીધી છે. તેમજ યુવા મુસાફરો મોબાઈલ એપથી ટીકીટ રીઝર્વેશન કરાવી લીધી છે. ખાસ કરીને યુવા મુસાફરો તો બસ સ્ટેશનની બુકિંગ વિન્ડો સુધી પણ જતા નથી અને જીએસઆરટીસીની એપ્લીકેશનમાંથી ઓનલાઈન ટીકીટ રીઝર્વેશન કરાવી લીધી છે. રાજકોટ એસ.ટી.તંત્ર દ્વારા જન્માષ્ટમી નાં તહેવાર નિમિતે ૫૦ એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. આ ૫૦ એકસ્ટ્રા બસો આજુબાજુનાં ફરવાલાયક સ્થળો પર મુકવામાં આવી છે. જન્માષ્ટમીનાં તહેવારને માણવા માટે આજથી સૌરાષ્ટ્રભરનાં તમામ એસ.ટી.બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે હજુ સાતમ-આઠમનાં દિવસે પણ મુસાફરોનો ઘસારાને પહોંચી વળવા એસ.ટી.તંત્ર વધુ બસો મુકે તેવી શકયતા સેવાઈ રહી છે.