મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે ભોગાવો નદીમાં ખનિજચોરી થતી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે સોમવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી કરી જેસીબી ડમ્પર સહિતનો મુદ્દામાલ છોડાવી લઈ જતાં પોલીસનાં ધાડાં ઊતરી આવ્યાં હતાં. ઘટના અંગે મોડી સાંજે ૭ જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ખનિજચોરીની બાતમી મળતાં સુરેન્દ્રનગર એસઓજીની ટીમ દ્વારા સોમવારે મોડી રાત્રે ખાનગી ગાડી લઇ જઇ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ધર્મેન્દ્રગઢ ભોગાવો નદિમાં ખનિજ ચોરી કરતા ડમ્પર સહિત જેસીબી અને અન્ય વાહનો પોલીસ ટીમે ઝડપી લીધા હતા, પરંતુ સ્થાનિક લોકોએ ટીમને ઘેરી પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો આપી તમામ મુદામાલ છોડાવી ભાગી છુટ્યા હતા. આ અંગે જિલ્લા કંટ્રોલને જાણ થતાં એલસીબી, ડીવાયએસપી સહિત મોટા કાફલા સાથે ઘટના સ્થળે જઇ તપાસ આરંભી હતી.
આ અંગે મૂળી પીએસઆઇ એચ. એમ. રાણાએ પોલીસનું ઢાંકતા જણાવ્યું કે આ અંગે અમે તપાસ આરંભી છે અને આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ધર્મેન્દ્રગઢ ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી બાદ સ્થાનિકે પોલીસની રિવોલ્વર આંચકી લીધાનું ચર્ચાઈ રહ્યું છે અને સ્થાનિક અગ્રણીની ભલામણ બાદ રિવોલ્વર પાછી અપાઇ હોવાનું ખાનગી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
પોલીસ પર હુમલા કેસમાં ભુપતભાઇ રામાભાઇ કોળી, બચુભાઇ રામાભાઇ કોળી ,ભાવાભાઇ રામાભાઇ કોળી ,પ્રવિણ ઉર્ફે અરવિંદભાઇ ભાવાભાઇ કોળી ,વ્હાણભાઇ બચુભાઇ કોળી , રમેશભાઇ લક્ષ્મણભાઇ કોળી , પ્રવિણ ઉર્ફે મુનો ગોરધનભાઇ કોળી , રહે. બધા ધર્મેન્દ્રગઢ તા.મૂળી સામે ફરિયાદ નોંધાય હતી.
ધર્મેન્દ્રગઢમાં બનેલા બનાવ બાદ મંગળવારે જિલ્લાની પોલીસે ધર્મેન્દ્રગઢ ભોગાવો નદીમાં ધામા નાખ્યા હતા અને ઝપાઝપી કરનારાં શંકાસ્પદ સગીર વયનાં ૨ બાળકો સહિત ૪ શખ્સોની અટકાયતી કરી છે.
પોલીસે અંદાજે ૯ લોકો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી આરોપીઓને ઝડપવા ટીમો બનાવી છે.