મીની કુંભ મેળામાં પધારવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ અપાયું: ૪ માર્ચે મેળાનું સમાપન થશે
જૂનાગઢમાં આગામી ૨૭મી ફેબ્રુઆરીથી મીની કુંભ મેળો યોજાનાર છે. ૪ માર્ચ સુધી ચાલનારા આ મીનીકુંભ મેળામાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પધારવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આમંત્રણ પાઠવ્યું છે. ભારતભરમાં ખ્યાતી પામેલા જૂનાગઢના શિવરાત્રીનાં મેળામાં આ વર્ષે યોગી આદિત્યનાથ હાજરી આપે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકારે દ્વારા ભવનાથ ગીરનારની તળેટીમાં જૂનાગઢ ખાતે આગામી ૨૭ મી ફેબ્રુઆરીથી ૪ માર્ચ દરમ્યાન મીનીકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્યને ગુજરાતમાં યોજનાર મીનીકુંભ મેળામાં પધારવા ગુજરાત સરકાર વતી આમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત સરકાર વતી પાઠવાયેલા આ આમંત્રણનો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ હર્ષભેર સ્વીકાર કર્યો છે.શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં, રાજયના વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવે અને ધારાસભ્ય બાબુભાઇ જે. પટેલ એ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ઉપસ્થિત રહીને કુંભસ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.
આ દરમિયાન શિક્ષણ મંત્રીએ આજે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા તથા કેશવ પ્રસાદ મૌર્યને ગઇકાલે લખનૌ ખાતે રૂબરૂ મળીને જૂનાગઢ ખાતે યોજનાર મીનીકુંભ મેળામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.
નોંધનીય છે કે જૂનાગઢ ખાતે ગરવા ગીરનારનાં સાંનિધ્યમાં દર વર્ષે શિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે. જેમાં ભારતભનાં સાધુ સંતો પાવન પધરામણી કરે છે. ઉપરાંત આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો પણ ઉમટી પડે છે. જૂનાગઢના આ મેળાનું ધાર્મિક મહત્વ છે. ત્યારે ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢનાં આ શિવરાત્રીનાં મેળાને મીની કુંભ મેળો જાહેર કર્યો હતો.