આજથી સંતોની નગરી જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મિની કુંભ મેળાની શરૂઆત થઈ છે. ગિરનાર ખાતે મીની કુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરાવી મીની કુંભ મેળાની શરૂઆત કરાવી છે. ત્યારે ગિરનાર મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.મોટી સંખ્યામાં સાધુ સંતો સહિતનો જમાવડો જોવા મળી રહ્યો છે. રાજ્યપાલે અહીં 51 ફૂટના રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગના દર્શન પણ લોકો માટે ખુલ્લા મૂક્યા છે.
એટલું જ નહીં રાજ્યપાલના હસ્તે ભવનાથ પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે સીએમ રૂપાણી સહિતના નેતાઓ પણ મિની કુંભ મેળામાં ભાગ લેશે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ મિની કુંભમાં ભાગ લેશે. CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી શિવરાત્રી દરમિયાન યોજાનારા જૂનાગઢના મેળાનું મીની કુંભ મેળા તરીકે ઉજવવા માટેના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જે અંગે ગાંધીનગરમાં આજે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે 9 દિવસ ચાલનારા આ મીનીકુંભ મેળામાં 3 દિવસ સંત સંમેલનનું અને 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. તેમજ મેળા દરમિયાન લાઈટ અને સાઉન્ડ શો પણ યોજાશે. જોકે શિવરાત્રીના મેળાને રાજ્ય સરકારે મીનીકુંભ મેળો જાહેર કર્યો છે. દર વર્ષે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પાંચ દિવસ સુધી મેળો યોજાઇ છે. જેમાં મોટી સંખ્યમાં સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે.