પ્રધાનપદુ મેળવવા માટે પાર્ટીને પાંચ કરોડનું ફંડ આપ્યાનો આક્ષેપ
કર્ણાટકના પ્રધાને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીને રૂ.૫ કરોડનું ફંડ રોકડ સ્વરૂપ જમા કરાવતા આઈટીની ઝપટે ચડયા છે અને આ મામલે ઈન્કમટેક્ષે સ્પેશ્યલ કોર્ટમાં આર્થિક ગુના બદલ કેસ દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ કર્ણાટકના મીનીસ્ટર શિવકુમાર બિન હિસાબી રોકડનો મોટો જથ્થો સગેવગે કરવાની સાથે સાથે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીને જાન્યુઆરી ૨૦૧૭માં ૩ કરોડ અને ત્યારબાદ ૯ જાન્યુઆરીના રોજ ફરી ૨ કરોડ જમા કરાવ્યાના પુરાવા સાથે ઈન્કમટેક્ષ વિભાગે સ્પેશ્યલ કોર્ટમાં આર્થિક ગુનાખોરી બદલ કેસ દાખલ કર્યો છે. સાથે સાથે મીનીસ્ટરના સાગ્રીત એવા સુનિલ કુમાર શર્મા અને અન્ય લોકોને પણ રોકડની ગેરકાયદે હેરફેર અને હવાલા મારફતે એઆઈસીસીને નાણા પૂરા પાડયા હોવાનો આરોપ લગાવાયો છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં સામાન્ય ચૂંટણી દરમિયાન અંદાજે ૨૦ કરોડ જેટલી બેહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી અને આ જપ્ત થયેલી રોકડમાં પણ મીનીસ્ટર શિવકુમારની સંડોવણી હોવાનું ઈન્કમટેક્ષના સૂત્રો જણાવી રહ્યાં છે.
આ મામલે ઈન્કમટેક્ષ વિભાગે સ્પેશ્યલ કોર્ટ સમક્ષ આધાર પુરાવા સાથે ગુનો દાખલ કરતા આવનાર દિવસોમાં કડાકા-ભડાકા વાના એંધાણો મળી રહ્યાં છે.
જો કે બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ જણાવ્યું હતું કે, જો પ્રધાન શિવકુમાર કોઈ ઈલીગલી પ્રવૃતિમાં સંડોવાયેલા હશે તો આ અંગે સરકાર ચોક્કસપણે નિર્ણય લેશે. જો કે, ડેપ્યુટી ચીફ મીનીસ્ટર જી.પરમેશ્ર્વરે જણાવ્યું હતું કે, ભાજપ જાણી જોઈને કોંગ્રેસને બદનામ કરવા કેન્દ્રીય એજન્સીઓની સત્તાનો દૂરઉપયોગ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.