કરોડોની કિંમતના બાર્જ અને મસમોટા વાહનોથી નદીમાંથી રેતી ચોરીનો ધીકતો ધંધો : પડધરી તાલુકા ઉપર ખાણ- ખનીજ ખાતાની મોટી મહેરબાની
અબતક, ભૌમીક તળપદા
પડધરી
પડધરી તાલુકામાં ખનિજચોરો બેફામ બન્યા છે. નજરસામે મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થઈ રહી હોય, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. દરરોજ કરોડોની કમાણીનો કાળો કારોબાર કરવામાં ખાણ-ખનીજ વિભાગની મહેરબાની હોય તેવા આક્ષેપો પણ તાલુકાના જાગૃત નાગરિક દ્વારા થઈ રહ્યા છે. પડધરી તાલુકામાં ખનિજચોરીની ગેરકાનૂની પ્રવુતિ વર્ષોથી ધમધમી રહી છે. ડોંડીથી લઈને તોરાળા- થોરાળા સુધી નદીમાંથી રેતી ચોરવામાં આવી રહી છે. આ માટે ખનીજ ચોરોએ કરોડોની કિંમતના બાર્જ અને મશીનો પણ નદીમાં તેમજ નદીના કાંઠે ઉતાર્યા છે. આ મામલે લગત તંત્રને અનેક રજૂઆતો પણ થઈ છે. પણ તંત્રનું ભેદી મૌન દર્શાવે છે કે આ મામલામાં મીલી ભગત જરૂર હશે. તેવા આક્ષેપો થઈ રહ્યા છે. આ ખનીજ ચોરીની પ્રવૃત્તિ ઉપર અગાઉ ખાણ ખનીજ વિભાગે રેઇડ પાડી હતી. પણ ત્યારે માત્ર દેખીતી કાર્યવાહી કરી ઢીલ મૂકી દેવામાં આવી હતી. અત્યારે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી હોવાનું સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગને ધ્યાને હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેવો સ્થાનિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.