સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ખોદતા માફીયા વાહનો મૂકી ફરાર
પોલીસે કૌભાંડ પકડી ખાણ ખનીજ ખાતાને જાણ કરી: ફરાર આરોપીને પકડવા તજવીજ: ખાણ ખનીજ ખાતાએ રેતીના ખાડાનો સર્વે શરૂ કર્યો
જોડીયાના ડોબર ગામના સીમ વિસ્તારમાંથી ડીવાયએસપીએ દરોડો પાડી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરીનું કૌભાંડ પકડી પાડી રૂ.૬૨ લાખની મશીનરી કબ્જે કરી છે. ૩૪ ટન ચોરાઉ રેતી પણ કબ્જે કરી ભાગી ગયેલા ખનીજ માફીયાને ઝડપવા તજવીજ શરૂ કરી છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ડોબરની સીમ વિસ્તારમાં ખરાબાની જગ્યામાંથી ગેરકાયદે રીતે ખનીજ (રેતી)ની ચોરી અંગેનું મસમોટું નેટવર્ક જામનગર ગ્રામ્ય ડીવાયએસપીની ટીમે પકડી પાડ્યું છે.
જોડિયા પોલીસને અંધારામાં રાખીને પાર પાડવામાં આવેલા ઓપરેશન દરમિયાન ગ્રામ્ય ડીવાયએસપીની ટીમે ડોબર સીમ વિસ્તારમાંથી ચાર ટ્રેક્ટર અને ટ્રોલી, ત્રણ ડમ્પર, એક લોડર મશીન, એક જેસીબી, સહિત નવ વાહનો વગેરે મળી રૂપિયા ૬૨ લાખ ૯૩ હજારની માલમતા કબજે કરી છે. આશરે ૩૪ ટન ચોરી કરેલી રેતીનો જથ્થો સ્થગિત કરીને જોડીયા પોલીસ મથક ને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર ખનીજચોરીના નેટવર્ક અંગે ખાણ ખનીજ ખાતાને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં મોડી રાત્રીના સમયે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે જામનગર ગ્રામ્યના ડીવાયએસપીની ટીમે જોડિયા પોલીસને જાણ કર્યા વિના જ મોડી રાત્રે જોડિયાની ડોબર સીમ વિસ્તારમાં દરોડો પાડયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં ખરાબાની જગ્યામાંથી ખનીજ (રેતી)ની ચોરી થતી હોવાનું નેટવર્ક પકડાયું હતું. પોલીસના દરોડા સમયે ખાણ માફિયાઓ ભાગી છૂટયા હતા. પરંતુ એક જેસીબી મશીન, ૧ લોડર મશીન, તેમજ ચાર ટ્રેક્ટર અને ત્રણ ડમ્પર સહિતના વાહનો ત્યાં છોડીને જ ભાગી છૂટયા હતા. જેથી પોલીસે રૂ.૬૨ લાખની કિંમતના ૯ વાહનો મશીનરી વગેરે કબજે કરી લીધા છે. ઉપરાંત ખનન કરેલી રૂપિયા ૯૩.૫૦૦ ની કિંમતની ૩૪ ટન રેતી પણ કબજે કરવામાં આવી છે, અને સમગ્ર મશીનરી જોડીયા પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે સ્થળે ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી જેના તૈયાર રેતીના ખાડાઓ વગેરેનો સર્વે કરી તેનો રિપોર્ટ ખાણ ખનીજ વિભાગ ને કરવામાં આવ્યો હતો અને ખાણ ખનીજ ખાતાની ટીમ દ્વારા આ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે વાહનના ચાલકો તેમજ ખાણ માફિયાઓને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી ખાણ માફીયાઓમાં ભારે દોડધામ થઈ છે.