નાગવદર, મેખાટીંબી, ગધેથર, છાડવાવદરમાં બેફામ ખનીજ ચોરી: ભૂમાફિયાઓએ એકલ દોકલ અધિકારીને ભરી પીવા પણ તૈયારી આદરી લીધી: પગલા નહિં લેવાય તો ખેડૂતો પણ નારાજ
અબતક-ઉપલેટા , કિરીટ રાણપરિયા : ઉપલેટા તાલુકો એક સમયે જુગાર માટે સ્વર્ગ સમાન હતોે. સૌરાષ્ટ્રભરના જુગારીઓ તાલુકાઓની વાડીઓમાં જુગાર ખેલવા પહોંચી જતા. આજે આ તાલુકો માફીયા અને બુટલેગરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે.
તાલુકામાં છેલ્લા એક દાયકાથી દારૂની સાથે-સાથે ખનીજ ચોરો પણ બેફામ રીતે થઇ રહી છે. ખનીજ ચોરો પણ કોઇના બાપની બીક વગર ગમે તેની સામે ઝઘડા કરી મારામારી સુધી પહોંચી જવાની ઘટનાઓ તાલુકામાં અનેક વખત બની ચુકી છે. ખનીજ ચોરોને પોલીસની કોઇ બીક જ ન હોય તેમ ખેડૂતોને મન ફાવે તેમ ધમકાવી ધાક ધમકી આપી તેઓના મોંઢા પણ ગેરકાયદેસર લીઝ ધારકોએ બંધ કરી દીધા છે.
તાલુકામાં વેણું નદીમાં ગધેપર, નાગવદર અને મેખાટીંબી સુધી બેફામ ખનીજ ચોરી થઇ રહી છે. આજે આ વિસ્તારમાં નદીમાં રેતીને બદલે પાણીના ઢગલા જોવા મળી રહ્યાં છે. 24 કલાક કોઇપણ તંત્રની બીક વગર નદીમાં હિતાચી, જે.સી.બી. જેવા વાહનો દ્વારા ખૂલ્લે આમ દરરોજ 500 કરતા વધુ ટ્રકો ભરાઇ રહ્યાં છે. આ ઉપરાંત છાડવાદર અને મેખાટીંબી ગામ પાસે કાયદેસરની લીઝ ધારકોની બાજુમાં માથાભારે શખ્સો દ્વારા ખૂલ્લે આમ તંત્રની બીક વગર બેફામ ખનિજ ચોરી થઇ રહી છે. છતા ખાણખનીજ તંત્ર કેમ ચૂપ છે તે સમજાતું નથી.
તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા માથાભારે શખ્સોએ એક જગ્યાએ ભેગા મળી જો કોઇ એકલ દોક અધિકારી સ્થળ ઉપર આવે તો તેને ભરીપીવા પણ પૂરેપૂરી તૈયારી કરી લીધાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આવા ખનીજ ચોરો ઉપર આકરી કાર્યવાહી કરવામાં નહિં આવે તો આવનારા દિવસોમાં પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારીઓને ભોગવવાનો વારો આવશે.
મામલતદાર આગળ ચેકીંગમાં ના જઇ શકે એટલે રોડ ઉપર રેતીના ઢગલા કરી રોડ બ્લોક કરી દીધો
મામલતદાર અને તેની ટીમ વરજાંગજાળીયા નાગવદર રોડ પર ફેરણમાં હતા તે દરમ્યાન વરજાંગજાળીયા-નાગવદર રોડ પર રસ્તા વચ્ચે રસ્તો બ્લોક થાય તે રીતે બે ટ્રકો દ્વારા ટ્રક ખાલી કરેલ અને બે રેતીના ઢગલા હતા ત્યારથી આગળ જતા બે ટ્રક જે પૈકી ટ્રક નં.જીજે-05-બી.એક્સ-0092 તથા ટ્રક નં.જી.જે.-01-સી.એક્સ-5528 તેને રોકી રસ્તા વચ્ચે કરેલ બે ઢગલા બાબતે તથા તેઓ આ રસ્તે શા માટે નીકળેલ છે?
તેમ પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. મોબાઇલ ફોન ચેક કરતા વોટ્સએપ એપ્લીકેશનમાં ખનીજ ચોરી બાબતેના લોકેશન હોય જેથી શંકાસ્પદ લાગતા તેમને પોલીસ સ્ટેશન ઉપલેટા તરફ લઇ જતી વખતે પોરબંદર-ઉપલેટ નેશનલ હાઇવે પર આવેલ એસઆરના પેટ્રોલપંપ પાસે અંદાજીત 50 થી 60 વ્યક્તિઓના ટોળાઓએ નેશનલ હાઇવે બ્લોક કરી બે ટ્રક તથા સરકારી ગાડીને રોકી ઉધ્ધતાઇભર્યુ વર્તન તેમજ ગેરશબ્દો બોલેલ ત્યારબાદ પોલીસ સ્ટેશન તરફ જે બે ટ્રકને લઇને જતા હતા તેને ભગાડવાની કોશિશ કરેલ તથા સરકારી ફરજમાં રૂકાવટ કરવાની કોશીશ કરેલ છે.
તે સમયે વિડીયો રેકોર્ડીગ કરેલ છે. આથી ટીમ તાત્કાલીક નીકળી બંને ભાગી ગયેલ ટ્રકોનો પીછો કરી તે પૈકી ટ્રક નં.જી.જે.-05-બી.એક્સ-0092 છે તેને ભાગતા અટકાવી ટ્રક તથા ડ્રાઇવર તથા ક્લીનરને પોલીસને હવાલે કરેલ છે. સમગ્ર ઘટના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આર.ટી.ઓ. પોલીસ અને ખાણ ખનીજ ખાતાની ઢીલી નિતિથી ભૂમાફીયાઓ આઝાદ
તાલુકામાં કાયદેસર લીઝ ધારકોની જગ્યાએ હાલમાં નાગવદર, ગધેપર, છાડવાવદર અને મેંખાટીબી ગામોની નજીક ગેરકાયદેસર લીજ ધારકોનું સામ્રાજ્ય વધુ જોવા મળી રહ્યું છે. તેની પાછળનું કારણ આર.ટી.ઓ, પોલીસ અને ખાણ ખનીજ ખાતાની ઢીલી નીતી જવાબદાર છે.
20 થી 40 ટનની ગાડીઓ પૂરપાટ દોડી રહી છે, તંત્રને ધ્યાનમાં નથી આવતી
તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં ગેરકાયદેસર લીઝ ધારકો દ્વારા 20 થી 40 સુધી રેતી ટ્રકમાં ભરી દેવામાં આવતા મોટા ભાગના રોડ રસ્તા ભાંગીને ભૂકો થઇ ગયા છે. છતા આવડા મોટા વાહનો છેક 10 કિ.મી. દૂર જઇ રહ્યાં છે ત્યારે આર.ટી.ઓ. પોલીસ અને ખાણ ખનીજ ખાતાને કેમ આ ગાડીઓ દેખાતી નથી. તે પ્રશ્ન ઉઠ્યો છે.
કાયદેસરના લીઝ ધારકો ઉપર પણ ઝૂલમો કરાય છે
મોજ, વેણું અને ભાદર નદીમાં તાલુકામાં કુલ 12 લીઝ ધારકોને રેતી કાઢવાની ખાણ અને ખનીજ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. છતા આ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ખનીજ ચોરો બેફામ બની કાયદેસર લીઝ ધારકોને ઉપર ઝૂલમ કરી રહ્યાં છે ત્યારે આ તાલુકામાં ગેરકાયદેસર રીતે આવતી ખનીજ ચોરી ઉપર તંત્રએ આકરી કાર્યવાહી કરી પગલાં ભરવા જોઇએ.
સમગ્ર તંત્ર સાથે રહી ડ્રાઇવ કરવામાં આવે તો ખનીજચોરોના નેફા ઢીલા થઇ જાય
ખરી રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર પગલાં લેવા હોય તો આરટીઓ, ખાણ ખનીજ ખાતુ, પોલીસ અને રેવન્યુ વિભાગ એકી સાથે ટીમો બનાવી ડ્રાઇવ કરવામાં આવે તો માથાભારે ખનીજ ચોરોના નેફા ઢીલા થઇ જાય.