પૂ.નમ્ર મુનિ મ.સા. મુમુક્ષુઓને ” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવશે…
પરમધામની એ પાવન ભૂમિ,નૈસર્ગીક – કુદરતી નયનરમ્ય પથરાયેલી પ્રકૃતિ,ખળખળ વ્હેતી નદી,ભોળા પક્ષીઓનો સુમધુર કલરવ,ચોતરફ લીલાછમ વૃક્ષો…વૈરાગ્યમય વાતાવરણની વચ્ચે ” શ્રી ડુંગર ગુરુ દરબાર ” માં આવતી કાલ રવિવારે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.ના શ્રી મુખેથી ” કરેમિ ભંતે ” નો મંગલ પાઠ ભણી એક સાથે ….બાર – બાર હળુકર્મી આત્માઓ યાવત્ જીવન સુધી છકાય જીવોની દયા પાળવા માટે થનગની રહ્યાં છે,તેવા હળુ કર્મી આત્માઓને પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા. ” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવશે એ પળ અદ્દભુત એવમ્ અવિસ્મરણીય હશે તેમ પરમધામ પડઘાથી મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.
શનિવારના રોજ ભવ્ય મુમુક્ષુ આત્માઓની શોભાયાત્રા મહાવીરના ત્યાગ માગૅના જયનાદ સાથે નીકળેલ.
મુમુક્ષુ આત્માઓએ માતા – પિતા,ભાઈ-ભગીની,કાકા – કાકી – કાકી,ફૈબા – ફુઆ,માસા – માસી સહિત જગતના સર્વે જીવોને ખમાવ્યા…
खामेमि सव्वे जीवा,सव्वे जीवावि खमंतु मे..જગતના તમામ જીવોને ખમાવીએ છીએ,અમને ક્ષમા આપજો..
જીવ માત્ર સાથે મિત્રતા છે,કોઈની સાથે વેરભાવ નથી. મુમુક્ષુ આત્માઓની લાણીસભર વાણીથી પરમધામ ખાતે ભાવવાહી દ્રશ્યો સજૉયેલ.
આજના મુમુક્ષુઓ આવતી કાલે મોક્ષાર્થી બનશે…આજના વૈરાગી આત્માઓનું આવતી કાલે વીતરાગતા તરફ પ્રયાણ…પચરંગી વસ્ત્રોનો ત્યાગ કરી આવતી કાલે યાવત્ જીવન શ્ર્વેત વસ્ત્રો પરીધાન કરશે….
ઈચ્છામિણં ભંતે…હે પ્રભુ ! હવેથી મારી ઈચ્છા નહીં પરંતુ પરમાત્માની આજ્ઞા મુજબ જીવન વ્યતિત કરીશું…
હે ગુરુદેવ એવમ્ ગુરુણી મૈયાઓ ! આપ સ્વાધ્યાયની આજ્ઞા આપશો તો સ્વાધ્યાય કરીશું, સેવા – વૈયાવચ્ચ કરવાનું કહેશો તો તે પ્રમાણે કરીશું….
ઐતિહાસિક સંયમ મહોત્સવમાં પરમધામ,પડઘાની પૂણ્ય ભૂમિ ઉપર અનેક ઉપકારી પૂ.સંત – સતિજીઓનું મંગલ પદાપૅણ થઈ ગયેલ છે.ગોંડલ સંપ્રદાયના પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા.,પૂ.ધીરજ મુનિ મ.સા.,પૂ.નમ્ર મુનિ મ.સા.,પૂ.પિયુષમુનિ મ.સા.,પૂ.પારસ મુનિ મ.સા.,પૂ.વિનમ્ર મુનિ મ.સા.,પૂ.પવિત્ર મુનિ મ.સા.,અજરામર સંપ્રદાયના પૂ.વિમલ મુનિ મ.સા.,પૂ.વિવેક મુનિ મ.સા.,પૂ.ગૌતમ મુનિ મ.સા.,અંકાઈથી ચેતન મુનિ મ.સા.આદિ સંતો તથા ગોંડલ સંપ્રદાયના સાઈઠથી વધારે પૂ.મહાસતિજી વૃંદ સહિત અનંત ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયેલ છે.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે રાજકોટથી લઈને રાયપુર,કાલાવડથી કોલકતા,ચાવંડથી ચેન્નાઈ,દિવથી દિલ્હી,માળીયાથી લઈને મુંબઈ, અમરેલીથી લઈને અમદાવાદ એમ અનેક ક્ષેત્રોના ભાવિકો ધર્મોલ્લાસ સાથે પરમધામ ખાતે સંયમ માગૅની અનુમોદના કરવા પહોંચી ગયેલ છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.