મીમની માયાવી દુનિયા
મોટા, તને ખબર છે એક મેમે પેજનો માલિક કેટલું કમાય છે? હંમેશાની જેમ રાકલો તેના અનોખા સવાલ સાથે હાજર થયો. પેલા તો એને મીમ કે’વાય અને ઈ કમાય જ ભાઈ કેમકે તારા જેવા હરખપદુડાને કોઈપણ વસ્તુ વાઈરલ કરવાની વાય આવે છે. અને આમ પણ હવે કોઈપણ ઈન્સ્ટા પેજ ચલાવવું એક બિઝનેસ બની ગયો છે. તો ચાલને આપણેય એકાદું પેજ ચાલુ કરી ઓમેય હમણાં બધા ધંધા ઠપ થઈ ગયા છે, તો આમાં જંપલાવી. હાથપગ વગરની વાતો કરવાનું રાકલાએ શરૂ કર્યું.
મારા વીરા મીમ એટલે શું પે’લા ઈ ખબર છે? હા તો એટલી વાત ન ખબર હોય શું ? પેલા કોઈપણ વિડિયો લેવાનો પછી છેલ્લે પેલા મુન્નાભાઈનું ‘નહી’ કે પછી પેલા વિદેશી ભાભાનું ‘તોબા તોબા’ રાખી દેવાનું અને છેલ્લે પેલો કોઈ ભાઈ જોર જોરથી ‘ઓ નો નો નો’ કરતો હસવા લાગે એટલે બની ગયું મીમ. આટલું સાંભળ્યા પછી રાકલાના મોબાઈલમાં જેટલા મીમ પેજ છે તે બધાની આઈડી કાકાને આપવાની તીવ્ર ઈચ્છા મનમાં સળવળી પણ એક જ શેરીમાં રહેવું ને ક્યાં આવી માથાકૂટ કરવી ?
રાકલાની જેમ લગભગ લોકોને મીમનો આ ભ્રામિક અર્થ જ ખબર છે. પણ સિક્કાની બીજી બાજુ જુઓ તો ખબર પડે કે મીમ એ સાહિત્યનું અપડેટ થયેલું સ્વરૂપ છે. આખી વાર્તા કે વાત લોકોને આજના સમયમાં વાચવામાં રસ નથી એ વાતને માત્ર ચાર ફોટામાં રજૂ કરતું સાહિત્યનું અપડેટ સ્વરૂપ ખરેખર આળસુ લોકો માટે તો વરદાન જ સમજો. કોઈપણ સાચા બનાવને લોકો સામે મૂકવામાં સાહિત્યના આ અપડેટ સ્વરૂપને યુવાનોમાં જે સફળતા મળેલ છે તેટલી કદાચ બીજા કોઈ સ્વરૂપને નહી મળી હોય. પણ સિક્કાની બે બાજુ હોય છે. અફસોસ કે સાચા સ્વરૂપને ઓળખવાની જગ્યાએ આપણે મીમને એક અભદ્ર વિડીયોનું સ્વરૂપ આપી અને વાઈરલ કરવા લાગ્યા. સાચા મીમને શેર કરવાને બદલે આપણે માત્ર મનોરંજન આપતા મીમને જ શેર કરવા લાગ્યા. અને મીમની એક માયાવી દુનિયા રચી નાંખી.
આ વાત તમને સમજાય તો મનોરંજન આપતા મીમની સાથે કોઈક સારી વાત કહેતું મીમ પણ શેર કરવાનું રાખજો.મીમ પેજ બનાવવાના સ્વપ્ના સેવતા રાકલાથી ભૂલથી કોઈ મીમ લાઉડસ્પીકરમાં ચલાવાય ગયું છે. હાથમાં ફોન પકડેલા રાક્લાના ગાલે માત્ર ચાર આંગળીઓ ઉઠી છે. તમે બધા ધ્યાન રાખજો. ઋતિકના રામે રામ
ચાબુક :
इंसान इतना लालची है की अगर उसे सोने का पूरा जंगल मिल जाए तो भी वो दूसरे जंगल की लालच रखेगा। – मुनव्वर फारूकी
રૂત્વિક સંચાણિયા