કોરોના મહામારીમાં શિક્ષણ વિભાગે વિતરણ અટકાવતા વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ નથી મળ્યા
રાજ્ય સરકાર દ્વારા ધો.૧૦-૧૨ પછી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને દર વર્ષે એક હજાર રૃપિયાની કિંમતમા ટેબ્લેટ આપવામા આવે છે.પરંતુ કોરોનાને લીધે આ યોજના અંતર્ગત ગત વર્ષના એક લાખ વિદ્યાર્થીને અને ચાલુ વર્ષે તો એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ આપી શકાયા નથી.સરકારે ટેન્ડરિંગ પ્રક્રિયા તો કરી છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ પુરૂ થઈ ગયું હોવા છતાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી.
સરકારે 2017-18થી શરૂ કરેલી ટેબ્લેટ યોજના અંતર્ગત દર વર્ષે ઉચ્ચ શિક્ષણના ડિપ્લોમા-ડિગ્રીના ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સના બેથીઅઢી લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવે છે.જેમાં વિદ્યાર્થીઓનુ કોલેજ સ્તરે એક હજાર રૂપિયામાં રજિસ્ટ્રેશન કરવામા આવે છે અને 8થી10 હજારની કિંમતના ટેબ્લેટનું વિતરણ કરવામા આવે છે.સરકારની આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવી કિંમતમા ટેબ્લેટ મળવાથી અભ્યાસલક્ષી ફાયદો થાય છે પરંતુ ખરા અર્થમાં વિદ્યાર્થીઓને કોરોના કાળમાં જ અભ્યાસ માટે ટેબ્લેટની વધુ જરૂર પડી છે.
ગત શૈક્ષણિક વર્ષમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાઈ ચુક્યા હતા અને બાકીના એક લાખ જેટલા વિદ્યાર્થીઓને બીજા તબક્કામાં ટેબ્લેટ આપવા ઓર્ડર પણ અપાઈ ગયો હતો પરંતુ ત્યારબાદ કોરાના અને લોકડાઉનની સ્થિતિમાં પ્રક્રિયા આગળ વધી જ નહી અને ત્યારબાદ લીનોવોના ટેબ્લેટનો ઓર્ડર પણ કેન્સલ કરી દેવાયો હતો.નવા ઓર્ડર માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ગઈ છે અને ઓનલાઈન ટેન્ડરિંગ માટેની અરજી પ્રક્રિયા મુદત વધારી 13 મી સુધી કરાઈ છે. આમ ટેબ્લેટ અપાશે તો ખરા પણ કયારે તે પ્રશ્ન છે.
ગત વર્ષે એક હજાર રૃપિયા ફી ભરી દીધેલા વિદ્યાર્થીઓ અને ચાલુ વર્ષે પણ નવા વિદ્યાર્થીઓ ટેબ્લેટની રાહ જોઈને બેઠા છે.૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ક્યારે મળશે? નવા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે કોલેજો શરુ થવી જરૃરી છે અને મે સુધીનુ શૈક્ષણિક વર્ષ પુરુ થાય તે પહેલા ટેબ્લેટ આપી દેવા પડે.આમ હવે ચાલુ શૈક્ષણિક વર્ષે ટેબ્લેટ અપાશે કે પછી આખુ વર્ષ સ્કિપ થઈ જશે અને નવા શૈક્ષણિક વર્ષ માટે જ હવે ટેબ્લેટ અપાશે?