આજે ‘નેશનલ ડોક્ટર્સ ડે’ એટલે કે આપણા દર્દોની સારવાર કરીને નવજીવન આપનાર ડોક્ટરનો દિવસ છે. પવર્તમાન કોરોના મહામારીમાં દિવસ-રાત જોયા વગર પોતાની કે ઘરની ચિંતા કર્યા વગર ડોક્ટર દર્દીઓનો મસીહા બનીને ઉભો રહીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. દેશના પ્રથમ મહિલા ડોક્ટર આનંદી ગોપાલ જોશી હતાં. પવર્તમાન લાઇફ સ્ટાઇલમાં નાની-મોટી બિમારી પરિવારમાં આવતી જ રહે છે. ઉપરાંત નાના બાળકોની સારવાર ક્ષેત્રે પણ આપણને સારવારમાં ડોક્ટરની જરૂર પડતી હોય છે. દરેક પરિવારનો કોઇ એક ડોક્ટર ફેમિલી ડોક્ટર હોય છે.

 ડોકટર દર્દીઓ માટે ‘મસીહા’ બની તેને આપે છે નવજીવન

કોરોના મહામારીમાં તેમણે કરેલ સેવાને કરોડો સલામ

સમગ્ર દેશમાં 1લી જુલાઇએ ડોક્ટરની સેવાને બિરદાવીને તેમનું સન્માન કરાય છે: 1991થી બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ડો.બી.સી.રોયની યાદમાં આ દિવસ ઉજવાય છે,

વિશ્ર્વમાં અલગ-અલગ દેશોમાં વિવિધ દિવસે ઉજવણી થાય છે, સૌ પ્રથમ યુ.એસ.ના જ્યોર્જિયામાં ડોક્ટર દિવસ 30મી માર્ચ 1933ના ઉજવાયો હતા

કોરોના વાયરસ ફાટી નિકળ્યો તે સ્થિતિમાં ડોક્ટરોએ જીવનને જોખમમાં મૂકીને 24 કલાક દર્દીઓની સારવાર-સેવા કરીને નવજીવન આપ્યું છે તે માટે તબીબોને કરોડો સલામ

મેડિકલ ક્ષેત્રમાં નવી સિધ્ધીઓ અને સંશોધન કરનારા ડોક્ટર્સને સન્માન કરવાનો દિવસ છે. વિશ્ર્વમાં આ દિવસ અલગ-અલગ દિવસોએ ઉજવાય છે. ડોક્ટર્સ દિવસની સૌ પ્રથમ શરૂઆત 30 માર્ચ 1933ના રોજ યુ.એસ.ના જ્યોર્જિયા ખાતે થઇ હતી. આ દિવસે યુડોરા બ્રાઉન એલ્મંડે ડોક્ટરને સન્માન કરવા આ દિવસ ઉજવવાનું નક્કી કરેલ હતું.

આપણાં દેશમાં બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ડો.બી.સી. રોયની યાદમાં 1991થી આજના દિવસે ડોક્ટર્સ ડેની ઉજવણી કરાય છે. ડો.બી.સી. રોયને 1961માં ભારત રત્ન અર્પણ કરાયો હતો. તેમનું અવસાન 1 જુલાઇ 1992માં થયું હતું. આજના દિવસે દર્દીઓ-પરિવારજનો ડોક્ટરનું સન્માન કરીને તેમની સેવાને બિરદાવે છે. આજના યુગમાં ડોક્ટર ખરેખર ‘હિરો’ છે. કોરોના મહામારીમાં ‘વોરીયર’ તરીકે સન્માનીત કર્યા બાદ આજે તમામ તબીબોનું સન્માન કરીને ડોક્ટર્સને લગતા વિવિધ સ્લોગન, ફોટો ફ્રેમ સાથે ડોક્ટર્સ ડેના વિવિધ કાર્ડો ડોક્ટરને અપાય છે. દર્દી અને ડોક્ટરનો નાતો  પ્રેમ, હૂંફ અને લાગણીનો હોય છે.

દર્દીને દર્દમાંથી ત્વરીત ઝડપે મુક્ત કરવા માટે ડોક્ટર તેની સારવાર કરવા કડવી દવા અને ઇન્જેક્શનો આપે છે. ક્યારેક તો સર્જનરી પણ કરવી પડે છે. દર્દીઓનો ખરા અર્થમાં ડોક્ટર મસીહા બને છે, નવજીવન આપે છે. ડોક્ટરની લાઇફ સતત દિવસ-રાત મુશ્કેલીવાળી દોડધામ વાળી હોય છે. રાત્રે તાત્કાલિક સારવારમાં અડધી રાત્રે પણ દર્દીને બચાવવા દોડવું પડે છે. ઘણા ચેપી રોગોમાં દર્દીની સારવાર હસતાં મોઢે કરતા તબીબો ભગવાન પછી બીજા ક્રમે છે.

આજે તો વિકસતા વિજ્ઞાનમાં શરીરના વિવિધ અંગોના નિષ્ણાંત સાથે રોગોના નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ છે, જેમ કે આંખ, કાન, નાક, ગળાના, હૃદયરોગ, કેન્સર, ચામડીના, બાળકોના ડોક્ટર, કેન્સર સર્જન જેવા વિવિધ નિષ્ણાંતો ઉચ્ચ ડિગ્રી સાથે શહેર કે ગામમાં હોવાથી દર્દીને ઝડપથી સાજો કરી શકાય છે. કોરોના મહામારીમાં તો પોતાની જીંદગી દાવ પર લગાડીને દર્દીઓની સેવા ડોક્ટરે કરી છે. સમગ્ર દેશમાં આજ કોરોનાને કારણે ડોક્ટર્સના નિધન પણ થયા છે.

ગળામાં ભરાવેલ સ્ટેથોસ્કોપના બે છેડા પોતાના કાનમાં ને એક છેડો દર્દીના હૃદય ઉ5ર મુકીને ‘દિલ સે’ ડોક્ટર તેની ટ્રીટમેન્ટ કરે છે. અગાઉ હાથની નાડી પકડીને પણ ચેક કરતાં હતાં. મેડિકલ સાયન્સની નવી-નવી શોધને કારણે આજે 21મી સદીમાં શ્રેષ્ઠ તબીબી સારવાર, અદ્યતન મશીનરી, ટેસ્ટીંગ સુવિધાને કારણે ડોક્ટર આપણી શ્રેષ્ઠ સારવાર નિદાનને સર્જનરી કરી શકે છે.

સમગ્ર વિશ્ર્વમાં ડોક્ટરનું ખૂબ જ માન હોય છે. આપણાં દેશમાં તો તે પૂજનીય ગણાય છે. માણસ તેની ભગવાન સાથે તુલના કરે છે. આપણું જીવન આ ડોક્ટર બચાવે છે તેથી તે જીવન દાતા છે. તે આપણને જન્મ આપે સાથે આપણને મૃત્યુથી પણ બચાવે છે. ચિકિત્સા ક્ષેત્રે, ડોક્ટરોએ સતત પ્રગતિ કરી છે. આજે ડોક્ટરો ગમે તેવા દર્દોનો ઇલાજ કરી શકે છે. વિજ્ઞાનની વિવિધ શોધોની સહાયથી ડોક્ટરો આ શક્ય કરી શક્યા છે.

ડોક્ટરના સમર્પણ, કાર્ય, નિષ્ઠા, પ્રમાણિકતાને આજે કરોડો સલામ છે. અમેરિકામાં 30મી માર્ચે તો વિયેટનામમાં 27મી ફેબ્રુઆરીએ ડોક્ટર ડે ઉજવાય છે. ડોક્ટર દરેકના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એક તરફ ડોક્ટરો લોકો માટે આવશ્યક ભૂમિકા ભજવે છે અને બીજી બાજુ ડોક્ટર તેના દર્દીઓ પ્રત્યેની જવાબદારીઓ નિભાવે છે. આવી સ્થિતિમાં તેનું સન્માન કરવું એ આપણાં ગૌરવની વાત છે. આપણી સરકારે પણ આ બાબતે જાગૃતિ લાવીને કાર્ય કરેલ છે. આપણ કે આપણી આસપાસનાં લોકોને પરિવારોને ડોક્ટરની ભૂમિકા મહત્વ અને કિંમતી સંભાળ વિશે જાગૃત થવા મદદ કરવી જોઇએ.

આજનો દિવસ બધા ડોક્ટરો માટે પ્રોત્સાહનનો દિવસ છે. ખાનગી ડોક્ટરો અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો બંનેના કાર્યમાં દર્દીની સેવા કરવી એ જ ઉદ્ેશ છે. સરકારી હોસ્પિટલમાં તો એક ડોક્ટર સાંજ પડ્યે 100થી વધુ દર્દીઓ તપાસે છે, આખરે એ પણ માનવી છે. કાર્યનો થાક આપણને લાગે તેમ એને પણ લાગે ત્યારે આપણે આ બાબતે વિચાર કરીને ડોક્ટરોને હોસ્પિટલોને સહયોગ આપવો જોઇએ. મૈત્રીપૂર્ણ આરોગ્ય સેવાના ઘણા કાર્યો સામાન્ય જન પણ મદદરૂપ થઇ શકે છે. જેમ કે રોગોની જાણકારી આપણાં પેમ્ફલેટ વિતરણ કરવા, આરોગ્ય કેન્દ્રોની વિવિધ સલાહ આપણા પરિવાર કે ગામમાં પ્રસરાવીને પણ સેવા થઇ શકે છે.

ડોક્ટરનું પ્રોફેશન નોબલ પ્રોફેશન છે. ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ ખૂબ જ મહત્વ પૂર્ણ છે. સેવાનો મુખ્ય હેતુ એટલે જ ડોક્ટરો આ ‘સેવાયજ્ઞ’માં પોતાના સમય આપીને યોગ્ય સારવાર કરીને દર્દીને દર્દમુક્ત તબીબો જ કરે છે તેથી તે સન્માનીય છે, પૂજનીય છે. આજના દિવસે ડોક્ટરો જીવનની જે સેવા કરે છે તેને સન્માન કરીને તેમની મહામૂલી સેવાને બિરદાવીને એ જ ઉજવણીનો સંકલ્પ હોય શકે.

તબીબ-દર્દીના સંબંધોને સમજવા જરૂરી

આજના સમયમાં ડોક્ટર-દર્દીનો સંબંધ સમજવો જરૂરી એટલા માટે છે કે તેના થકી જ દર્દીને ઓછી મુશ્કેલી પડે છે. મોટાભાગે દર્દીના સગા જેટલા બદલાય અને ડોક્ટર તેના નિદાન-સારવારની ચર્ચા કરે એટલે બધા અલગ-અલગ મંતવ્યો આપે છે જે સરવાળે તો દર્દીને જ મુશ્કેલી કે નુકશાન કરે છે. જ્યારે દર્દી ગંભીર અવસ્થામાં હોય ત્યારે ધીરજ ધરવીને ખાસ આઇસીયુમાં આપણાં સગા હોય ત્યારે કોઇ એક-બે સગાના ડોક્ટર સાથે ચર્ચા કરે તે અતી આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.