રાજસ્થાનથી કચ્છમાં દારૂ લાવતા ટ્રક ચાલક ભાગી ગયો:
દારૂ, બિયર અને ટ્રક મળી રૂા.58.17 લાખનો મુદામાલ કબ્જે
કચ્છના આડેસર નજીક આવેલા બામણસણ ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક આડેસર પોલીસે પકડી ક્લિનરની ધરપકડ કરી છે. રૂા.41.12 લાખની કિંમતના દારૂ-બિયરનો જથ્થો અને ટ્રક મળી રૂા.58.17 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે. દરોડા દરમિયાન ટ્રક ચાલક ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનથી આર.જે.19જીબી. 8578 નંબરના ટ્રકમાં વિદેશી દારૂ કચ્છમાં આવતો હોવાની બાતમીના આધારે ભચાઉ સીપીઆઇ એમ.એમ.જાડેજા, આડેસર પી.એસ.આઇ. વાય.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ શૈલેષ ચૌધરી, વિજયસિંહ ઝાલા, વિષ્ણુદાન ગઢવી અને ભરતજી ઠાકોર સહિતના સ્ટાફે આડેસર નજીક બામણસણ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન રાજસ્થાનના બિકાનેરના પપશા દિપસિંહ સોઢા નામનો ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. ટ્રકમાંઓતી રૂ.37.49 લાખની 9,468 બોટલ વિદેશી દારૂ, રૂા.4.63 લાખની કિંતની 4,632 બિયરના ટીન મળી આવતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેદુસર ગામના ટ્રકના ક્લિનર સાંગસિંગ જેઠમાલસિંગ સોઢા નામના શખ્સની ધરપકડ કરી રૂા.15 લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો છે. પોલીસે રૂા.58.17 લાખનો વિદેશી દારૂ, બિયર અને ટ્રક કબ્જે કરી બાડમેરના દેદુસરથી વિદેશી દારૂ મોકલનાર કમલસિંગ ગજેસિંહ રાઠોડ અને કચ્છમાં વિદેશી દારૂ મગાવનાર તેમજ ટ્રક ચાલક પપશા દિપસિંગ સોઠા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.