પેટ્રોલ પંપના વકરાના રેડીયન્ટ કેસ મેનેજમેન્ટનો કર્મચારી બેન્કમાં જમા કરાવવા જતા કારમાં આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી’તી

થાન પાસેના પેટ્રોલ પંપના કલેકશન દરમિયાન રેકી કરી ટ્રીપ આપનારની ઓળખ મળી જતા ભેદ ઉકેલાયો

ચોટીલા નજીક બોરીયાનેશ ગામના પાટીયા રેડીયન્ટ કેસ મેનેજમેન્ટના કર્મચારી પર કારમાં આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી રૂા.22.44 લાખની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોને ઝડપી રોકડ, કાર, જીપ અને મોબાઇલ મળી રૂા.23.28 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા થાનના શખ્સે રેકી કરી ટ્રીપ આપ્યાની ઓળખ મળ્યા બાદ રાજકોટના શખ્સ સહિત ત્રણેયને સુરેન્દ્રનગર એલસીબીએ ઝડપી લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

થાનના આંબેડકરનગરમાં રહેતા અને ત્રણેક વર્ષથી રેડીયન્ટ કેસ મેનેજમેન્ટ સર્વિસમાં કેશ કલેકશન કરી બેન્કમાં જમા કરાવવાનું કામ કરતા મયુરભાઇ ડુંગરભાઇ રાઠોડ નામના 28 વર્ષના યુવાન મોટી મોલડીથી ઇક્કોમાં બેસી ચોટીલા જતો હતો ત્યારે તેને બોરીયાનેશ અને કનૈયા હોટલ વચ્ચે ઇક્કો કાર ઉભી રખાવી સ્વીફટ કારમાં આવેલા બે શખ્સએ છરીથી હુમલો કરી રૂા.22.44 લાખની મત્તાની લૂંટ ચલાવ્યાની ગત તા.15મી ફેબ્રુઆરીએ નાની મોલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

IMG 20210321 WA0010

મયુરભાઈ રાઠોડ પાસે થાન પાસે આવેલા સીએનજી પેટ્રોલ પંપના 5.55 લાખ, ચોટીલા-થાન રોડ પર આવેલા ઇકોમ એકસપ્રેસના રૂા.92 હજાર અને મોટી મોલડી પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપના રૂા.15.96 લાખની રોકડ એકઠી કરી ચોટીલા બેન્કમાં જમા કરાવવા માટે મોટી મોલડીથી ચોટીલા ઇક્કો કારમાં જઇ રહ્યો હતો ત્યારે લૂંટ ચલાવી સ્વીફટકારમાં આવેલા બંને શખ્સો ભાગી ગયા હતા.

રાજકોટ રેન્જ ડીઆઇડી સંદિપસિંહ અને સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાએ લૂંટનો ભેદ ઉકેલવા પોલીસની જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરાવતા મયુરભાઇ રાઠોડ થાન સીએનજી પેટ્રોલ પંપ ખાતે કેશ કલેકશન કરતો હતો ત્યારે થાનના જ રાહુલ ઉર્ફે રોય નામના શખ્સે જુના કર્મચારી અંગે પૂછપરછ કરી હોવાથી તેની સંડોવણી હોવાની શંકા સાથે પૂછપરછ કરતા લૂંટનો ભેદ ઉકેલાયો હતો. લૂંટના ગુનામાં સંડોવાયેલા રાજકોટના સંત કબીર રોડ પર રહેતા રાજ ચંદ્રપ્રકાશ કોટાઇ, મુળ થાનના અને હાલ રાજકોટ રહેતા પ્રવિણ બળદેવ સેણજીયા અને થાન આંબેડકરનગરના રાહુલ ઉર્ફે રોય હિમંત પરમારને ઝડપી લીધા હતા.

k

રાહુલ ઉર્ફે રોય, પ્રવિણ સેણજીયા અને રાજ કોટાઇ સહિત પાંચ શખ્સોએ ગત તા.3-12-20ના રોજ રૂા.48 હજારની થાન રોડ પર લૂંટ ચલાવ્યા બાદ મોટી લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યો હતો રાહુલ ઉર્ફે રોય થાનનો જ હોય અને મયુર રાઠોડ દરરોજ મોટી રકમ લઇ બેન્કમાં જમા કરાવવા જતો હોવાની ટ્રીપ આપી હતી. પ્રવિણ સેણજીયા અને રાજ કોટાઇ પોતાના મોબાઇલ ગોંડલ મિત્રની ઓફિસમાં ચાલુ હાલતમાં મુકી સ્વીફટ કાર લઇ ચોટીલા આવી ગયા હતા. ચોટીલા રાત્રી રોકાણ કરી સવારે લૂંટના બનાવને અંજામ આપી પોલીસને ગેર માર્ગે દોરવા માટે કારમાં સુર્યદીપ અને કાઠી લખ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો કાર લઇ ચોટીલા, આણંદપર, સરધાર, સેમડા, ગોંડલ થઇ રાજકોટ આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રૂા.23.28 લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.