નોરતાના પ્રથમ દિવસે જૈનમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ વિશાળ પટાંગણ, ફૂડ ઝોન, સેલ્ફી ઝોન અને ભવ્ય મ્યુઝિક સિસ્ટમનો ઉઠાવ્યો આનંદ: સૂરીલા ગાયકોના ગીતોએ રાસોત્સવમાં લગાવ્યા ચાર ચાંદ: આજે મુખ્યમંત્રી જૈનમ નવરાત્રિ મહોત્સવના આંગણે: વિજયભાઈના અભિવાદન માટે આયોજકો આતુર
ગત વર્ષની ભવ્ય સફળતા તેમજ જૈન સમાજના અભૂતપૂર્વ પ્રતિસાદથી આ વર્ષે પણ જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. નવલી નવરાનિ પ્રથમ નોરતે જ પારિજાત પાર્ટી પ્લોટમાં જૈનમ નવરાત્રી રાસોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠયા હતા. વિશાળ પટાંગણ, ફૂડ મેનેજમેન્ટ તેમજ સેલ્ફી ઝોન અને ભવ્ય મ્યુઝિક સિસ્ટમનો ખેલૈયાઓએ આનંદ ઉઠાવ્યો હતો. પ્રથમ દિવસે જ જૈનમ નવરાત્રી રાસોત્સવમાં યુવા ખેલૈયાઓથી લઈને વડીલોએ પણ રાસોત્સવની મોજ માણી હતી.‘અબતક’ મીડિયા હાઉસના સથવારે જૈનમ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. લાખો લોકોએ લાઈવ જૈનમ નવરાત્રી મહોત્સવ નિહાલ્યો હતો. પ્રથમ દિવસે જગદંબાની આરતી માટે ડે.મેયર દર્શિતાબેન શાહ, ધનસુખભાઈ ભંડેરી, પુષ્કરભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો તેમજ જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. નવરાત્રી પાવન પ્રસંગે ‘અબતક’ સાથે વાતચીત કરતા જૈનમ રાસ-રસીયાઓએ જણાવ્યું હતું કે, અહીંનું વાતાવરણ સંપૂર્ણ પારિવારીક છે. ફૂડઝોનમાં પણ ખૂબજ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેલૈયાઓએ પોતાનો આનંદ વ્યકત કરતા કહ્યું હતું કે, હજુ તો શ‚આત છે, બાકીના આઠ દિવસ ખૂબ જ ધમાલ અને મસ્તી સાથે રાસની રમઝટ બોલાવીશું.જૈનમ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબા અને થોડા ફયુઝન ગીતોથી વિશાલ પંચાલ, મયૂરી પાટલીયા, રોકી રોક અને ગોરલ દવેએ પોતાના સૂરીલા અવાજથી રાસોત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ખેલૈયાઓ સિક્સ સ્ટેપ્સ, બાવીસ સ્ટેપ્સ, ફોર સ્ટેપ્સ ઉપર મન મૂકીને ઝૂમ્યા હતા.જૈનમ નવરાત્રી મહોત્સવમાં આજે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚પાણી તેમજ જૈન અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતી રહેશે. ૪૦ હજાર વારના વિશાળ ગ્રાઉન્ડમાં મનમોહક લાઈટીંગ સાથેનું વિશાળ મેદાનમાં મનમોહક લાઈટીંગ સાથેનું સ્ટેજ, સ્પોન્સર માટે આરામદાયક સોફા, વીઆઈપી ચેર સાથેનો આકર્ષક ગોઝબો તેમજ ખેલૈયાઓ માટે વિશાળ ફુડ ઝોનની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત જોવા માટે સ્ટેડિયમ ટાઈપની બેઠક વ્યવસ્થાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આગમનથી જૈનમ નવરાત્રી મહોત્સવનો આનંદ ચાર ગણો થઈ જશે.