દિવાળી અને નવા વર્ષનાં દિવસે દિવડાઓથી મંદિર ઝળહળી ઉઠ્યું દરરોજ માતાજીના અવનવા શણગારનાં દર્શન કરીને લોકો ધન્ય બન્યા
લેઉવા પટેલ સમાજના આસ્થા પ્રતિક સમાન ખોડલધામમાં દિવસે દિવસે ભાવિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને રજાના અને તહેવારના દિવસોમાં તો ખોડલધામ પરીસરમાં લાખોની સંખ્યામાં ભાવિકો જોવા મળે છે. ખોડલધામ મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયાબાદ આ પ્રથમ દિવાળી હોવાથી અહી દિવાળીના તહેવાર દરમિયાન લાખોની સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કર્યા હતા.
દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ અગત્યનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન હિન્દુ ધર્મ મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે દિવાળીના આ પાંચ દિવસ દરમિયાન લાખો લોકોએ માર્ં ખોડલના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. કાગવડ ખાતેનું લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ હવે સૌરાષ્ટ્રના ફરવા લાયક અને ધાર્મિક સ્થળોમાનું એક સ્થળ બની ગયું છે. ત્યારે દિવાળીની રજાઓમાં અહી લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવશે એવી પહેલેથી જ જાણ હોવાથી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા આવનાર લોકોને દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે સ્વયંસેવકોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ ૬૦૦થી વધારે સ્વયંસેવકોએ ખોડલધામ પરીસરમાં આવનાર લોકોની વ્યવસ્થા જળવાઈ રહે એની તકેદારી રાખી હતી. સ્વયંસેવકોએ દિવાળીના તહેવારની મજા માળવાના બદલે ખડેપગે રહીને ખોડલધામ પરીસર, દર્શન વ્યવસ્થા, ભોજનાલય, પાર્કિંગ એરીયા, ચા-પાણી સહિતની વ્યવસ્થા સંભાળી હતી.
દર્શન કરવા આવતા ભાવિકો માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચા-પાણીની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત હજારોની સંખ્યામાં લોકોએ ખોડલધામ ભોજનાલયમાં પ્રસાદ લીધો હતો. દિવાળી નિમિતે દરરોજ ર્માં ખોડલને અવનવા શણગાર કરવામાં આવ્યા હતા અને માતાજીના આ અવનવા શણગારના દર્શન કરીને લોકો ધન્ય બન્યા હતા. દરરોજ સવારે અને સાંજે જય ખોડલના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કાગવડ ખાતેનું આ ખોડલધામ હવે દર્શનની સાથે ફરવા માટેનું પણ એક સ્થળ બની રહ્યું છે. લોકો શાંતિથી ર્માં ખોડલના દર્શન કરીને કુદરતી વાતાવરણમાં શકિતવનમાં પરીવાર સાથે મજા માણે છે. આ ઉપરાંત બાળકો માટે ખોડલધામ પરિસરમાં અવનવી રાઈડસ સાથેનું ક્રેઝી વર્લ્ડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બાળકો માટેની જમ્પીંગ રાઈડસ, નાનો ઝુલો સહિતની અલગ-અલગ રાઈડસ મુકવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ક્રેઝી વર્લ્ડમાં બાળકોએ રાઈડસની મજા માણી હતી. એ ઉપરાંત દિવાળી દરમિયાન લોકો નવા કપડા અને નવા વાહનની ખરીદી કરતા હોય છે. આ તહેવાર દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે, લોકો નવા વાહનની ખરીદી કરીને સીધા જ ખોડલધામ માતાજીના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.