સરકારી નાણાનો અંગત ઉપયોગ કર્યો હોવાની પોસ્ટ ઓફિસના ઇન્સ્પેકટરે નોંધાવી પોલીસ ફરિયાદ

મોરબીના સામાકાંઠે આવેલી નજરબાગ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સબ પોસ્ટ માસ્તરે તેની ફરજ દરમિયાન લાખોની સરકારી રકમની ઉચાપત કરી હોય જે અંગે ખાતાકીય તપાસ બાદ નાણા ઉચાપતની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મૂળ ભાવનગરના રહેવાસી અને હાલ મોરબીમાં રહીને મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ ઓફીસ તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ કનૈયાલાલ જોષીએ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ગોવિંદ ખીમાભાઈ પરમાર રહે રાજકોટ નાના મૌવા રોડ વાળા ગત તા. ૧૫-૦૨-૧૬ થી ૨૭-૦૯-૧૬ સુધી પી પી ડબલ્યુ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન વિવિધ ફરિયાદના પગલે તા. ૨૭-૦૯-૧૬ ના રોજ તપાસ ટીમ દ્વારા તપાસ કરતા સરકારી હિસાબની સિલક રૂ ૧૧,૩૨,૧૮૪ થવી જોઈએ પરંતુ તા. ૨૭-૦૯ ના રોજ દીવંસ અંતના સરકારી હિસાબે હાથ ઉપર રૂ ૮,૮૭,૮૦૭ બતાવેલ અને મૂળ રકમ કરતા રૂ ૨,૪૪,૩૭૬ સરકારી હિસાબ કરતા ઓછા બતાવી સરકારી નાણા પોતાના હાથ પર રાખી સરકારી નાણાનો પોતે અંગત ઉપયોગ કરી સરકારી નાણા ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે સબ પોસ્ટ માસ્તર ગોવિંદભાઈ ખીમાભાઈ પરમારે પોતાની ફરજ દરમિયાન કરેલ વ્યવહાર અંગે ઉપરી કચેરીને ફરિયાદો મળી હતી જેથી ખાતા દ્વારા તપાસ ટીમ બનાવવામાં આવી હતી જેમાં જે જી મકવાણા સબ ડીવીઝનલ ઇન્સ્પેકટર મોરબી, એસ એચ પૈડા આઈપી પી જી રાજકોટ, ડી વી સંઘાણી ઓફીસ આસિસ્ટન્ટ રાજકોટ ડીવીઝન ઓફીસ અને સી ડી રાદડિયા પોસ્ટલ આસિસ્ટન્ટ મોરબી દ્વારા ફરિયાદને પગલે તમામ વ્યવહારની તપાસ ચાલુ હતી અને તા. ૨૨-૦૯-૧૬ થી ૨૭-૦૯-૧૬ સુધીના દિવસના અંતે સરકારી હિસાબની સિલક ૧૧.૩૨ લાખ થતી હતી પરંતુ હાથ પર રૂ ૮.૮૭ લાખ જ મળ્યા હતા.

જેથી સબ પોસ્ટ માસ્તરની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી અને આ મામલે સબ પોસ્ટ માસ્તરને રકમનો ફેર શોધી આપવા દસ દિવસનો સમય આપ્યો હતો અને ત્યારબાદ ખાતાકીય તપાસમાં નાણા ઉચાપત સામે આવતા ઉપરી કચેરી દ્વારા સુચના મળતા આ ફરિયાદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.