ભાવિકોના ઉતારા માટે ૧૫ સ્થળે વોટર પ્રુફ સેડ બનાવવામાં આવ્યા: ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે.અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ માઈભક્તોથી ભરચક બની રહ્યા છે.તાજેતરમાં થયેલ સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઈભક્તો ઉત્સાહભેર અંબાજી તરફ ચાલી રહ્યા છે.અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં ઝરણાઓ પણ વહેતા હોવાથી યાત્રિકોને ન્હાવા-ધોવાની ખૂબ સારી સુવિધા પ્રકૃતિના સાંનિધ્યમાં જ મળી રહી છે.

દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે.દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે……જય જય અંબે……ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે.સંઘમાં આવતાં માઈભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેતીને તેમજ ગરબાના તાલે રમતા ઝૂમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે.

millions-of-mai-devotees-flocked-to-ambaji-bhadravi-poonams-fair
millions-of-mai-devotees-flocked-to-ambaji-bhadravi-poonams-fair

રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યા છે.જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો,જમવાનું તથા વિસામાની સગવડ મળે છે.મેળા પ્રસંગે માઈભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે.રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના પદયાત્રીકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા-નાસતો,જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતાં જોવા મળે છે.સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત,ગરબાના તાલે માઈભક્તો ઝુમી રહ્યા છે.અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે.દર્શન કરીને મંદિર બહાર આવતાં યાત્રિકોના મોં પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ ઉપર યાત્રિકો માટે ૧૫ સ્થળોએ પાકા શેડ બનાવેલા છે.ઉપરાંત મેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા સંખ્યાબંધ જગ્યાએ હંગામી વોટરપ્રૂફ વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે.જેનાથી યાત્રિકોને બહુ સારી સુવિધા મળે છે.

millions-of-mai-devotees-flocked-to-ambaji-bhadravi-poonams-fair
millions-of-mai-devotees-flocked-to-ambaji-bhadravi-poonams-fair

આધશક્તિ માઁ અંબાનું તીર્થસ્થાન અંબાજી બહું જ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે.સીતાજીને શોધતા ભગવાન રામ અને લક્ષ્મણ અંબાજી નજીક આવેલા અર્બુદાચલના જંગલોમાં શૃંગી ૠષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ૠષિએ તેઓને ગબ્બર મુકામે માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા.ભગવાન શ્રીરામ અને લક્ષ્મણએ ભક્તિભાવપૂર્વક માઁ ની પૂજા અર્ચના કરી હતી ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણનો નાશ કરવા ભગવાન રામને અજયબાણ આપ્યુ હતું ને એજ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.

ભગવાન શ્રીકૃષ્ણનું ચૌલકર્મ અંબાજીમાં માઁ અંબેના સ્થાનકે થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે. ૫૧ શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી શક્તિપીઠનો મહિમા અજોડ અને ભવ્ય છે.માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપરનું સ્થાનક મનાય છે.અંબાજી મુકામે યાત્રિકોની સુવિધા માટે નોંધપાત્ર વિકાસકામો કરવામાં આવતાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.વરસે ૧ ૨૫ કરોડથી વધુ દર્શનાર્થીઓ અંબાજી આવે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.