રાજુલા વિસ્તારમાં માલગાડીએ ટકકર મારતા સિંહણ ઘાયલ: બીજી બાજુ મીઠાપુર-બાલાની વાવ વચ્ચે વાહન ચાલકે હડફેટે લેતા સિંહ બાળનું મોત
રાજુલા વિસ્તારમાં અને અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં જાણે કે સિંહો ઉપર આફત આવી હોય કે વનતંત્રની બેદરકારીને કારણે સિંહોના અસ્તિત્વ ઉપર ખતરો ઉભો થયો હોય તે રીતના બનાવો બનતા રહે છે. બે દિવસ પહેલા જ ત્રણ સિંહોના મોતની શાહી સુકાઈ નથી ત્યાં ફરી રાજુલા નજીક ભચાદર, ઉચૈયા, ભેરાઈ વચ્ચે ગઈરાત્રે ટ્રેન હડફેટે એક સિંહણ આવી જતા ગંભીર ઈજા થયેલ હોવાના અહેવાલ છે ત્યારે બીજીબાજુ જાફરાબાદ તાલુકાના મીઠાપુર અને બાલાની વાવ ગામ વચ્ચે સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે સિંહ બાળને હડફેટે લીધું હતું. આમ થોડા જ સમયમાં અવાર-નવાર સિંહો મરવાનો સિલસિલો શરૂ રહેવા પામેલ છે અને બીજીબાજુ વનતંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તે રીતે સાવરકુંડલાના બનાવમાં ફકત ૧ ટ્રેકરને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે.
જયારે આ ટ્રેકર થોડો જવાબદાર અધિકારી છે ? બીજી બાજુ જવાબદાર અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી અને તેઓ ચીલાચાલુ જવાબો આપીને છટકી જાય છે. આ પીપાવાવ રેલવે ટ્રેક પર પીપાવાવ વિસ્તારમાં અને છેક બર્વટાણા અને આ વિસ્તારમાં સિંહો રેલવે ટ્રેક ઉપર ન ઘુસે તે માટે તાર ફેન્સીંગવાળી વાડ બનાવી છે જોકે આ તાર ફેન્સીંગમાં પણ સરકારના મીલી ભગતમાં અધિકારીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે આ તાર ફેન્સીંગના કરોડો રૂપિયા પણ પાણીમાં ગયા હોય તે રીતે ભેરાઈ-ઉચૈયા અને ભચાદર રેલવે ટ્રેક પર સિંહણ ઘુસી ગયેલ અને ગુડસ ટ્રેને તેને હડફેટે લીધેલ પણ સદનસીબે આ સિંહણને સામાન્યઈજાઓ જ થયેલ છે અને બચી જવા પામેલ છે. જયારે બીજીબાજુ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉ.પર બાલાની વાવ અને મીઠાપુર વચ્ચે અજાણ્યા વાહન ચાલક દ્વારા સિંહબાળને હડફેટે લીધેલ અને સિંહ બાળનું મોત થયેલ છે. પીપાવાવ પોર્ટમાં અને દરિયાની આસપાસના વિસ્તારોમાં તંમર (મેગ્રસ)ના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે તે રીતે શું આ વનતંત્ર સિંહોનું પણ આ રીતે કરશે ? તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે.
સિંહોની સુરક્ષા અને પર્યાવરણની ઉપેક્ષા સામે તપાસની માંગ
વનતંત્રના અધિકારીઓ દ્વારા જે રીતે સિંહોની સુરક્ષાઓને પર્યાવરણની ઉપેક્ષા થઈ રહી છે તેની ખુબ જ જીણવટભરી તપાસની માંગ ગૌરક્ષા હિતરક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટે તેમજ આરટીઆઈ એકટીવીસ્ટ આતાભાઈ વાઘ દ્વારા કરવામાં આવેલ છે. આ તપાસમાં જે ટ્રેનની સ્પીડ ૪૦ કિ.મી. પ્રતિ કલાકની કરવાની વન વિભાગ વાતો તો કરે છે પરંતુ આ રીતે ફકત એક જ દિવસ ટ્રેન ચાલે અને પછી ફરીથી તેની મુળ સ્પીડ ઉપર ટ્રેનો શરૂ થઈ જાય છે. આ સિંહોના મૃત્યુના બનાવો બંધ થાય અને પીપાવાવ રેલવે કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.