‘નગર’ની શાન લાખેણા ‘જામ’ને રંગીન બનાવી દેશે!!!
તળાવમાં પ્રવેશનારને સપ્તાહમાં ત્રણ દિવસ વિનામુલ્યે નિહાળવા મળશે લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો
શહેરની શાન સમુ લાખોટા તળાવમાં કોરોના સંક્રમણ બાદ પુન: ઝળહળ્યું છે અને લાઈટ અને સાઉન્ડ શો અને લેસર શો શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. સપ્તાહમાં ત્રણ દિવસ લાઈટ એન્ડ સાઉન્ડ અને લેસર શો યોજાશે. જામનગર શહેરની શાન સમા તળાવમાં લોકડાઉન ના સમયગાળા દરમિયાન પ્રવેશ બંધ કરાયો હતો. પરંતુ સરકારની નવી ગાઇડલાઇન મુજબ લાખોટા તળાવ પ્રજા માટે ખુલ્લું મુકી દેવાયા પછી તેમાં જુદા જુદા કાર્યક્રમો પણ શરૂ કરી દેવાયા છે.
લાખોટા તળાવને ફરીથી ઝળહળતી રોશની થી સજાવી દેવામાં આવ્યું છે અને છેલ્લા પખવાડિયાથી શુક્ર- શનિ અને રવિ એમ કુલ ત્રણ દિવસ માટે રાત્રીના આઠ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી લાખોટા મ્યુઝિયમ સહિતના અંદરના ભાગને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સપ્તાહના ત્રણ દિવસ માટે શુક્રવારે શનિવારે અને રવિવારે ૮.૦૦ થી ૮.૩૦ સુધી લાઈટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરી દેવાયો છે અને તળાવમાં પ્રવેશ મેળવનારા લોકો તેનો વિનામૂલ્યે લાભ લઇ શકે છે. તળાવની આસપાસના વિસ્તારમાંથી પણ લોકો આ નજારો આસાનીથી નિહાળી શકે છે. લાખોટા પરિસરની મધ્યમાં આવેલા મ્યુઝિકલ ફાઉન્ટેન સાથે લેસર શો પણ સપ્તાહના ત્રણ દિવસ માટે સાંજે ૭.૦૦ થી ૭.૩૦ના સમય દરમિયાન પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લાખોટા બ્યુટીફીકેશન અંતર્ગતના લાખોટા પરિષરના તમામ કાર્યક્રમો રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. પક્ષીઘર- માછલીઘરનું નિદર્શન પણ ચાલુ રખાયું છે. શિયાળા ની શરૂઆતના પગલે પાસ ધરાવનારા લોકો એવા પ્રતિદિન ૧૫૦૦થી વધુ મુલાકાતીઓ સવારે સાતથી દસ વાગ્યા સુધી પ્રવેશે છે જ્યારે બાકીના સાંજના સમય ગાળા દરમિયાન પ્રતિદિન એવરેજ પંદરસો મુલાકાતીઓ લાખોટા તળાવની મુલાકાતે આવી રહ્યા છે. તળાવની પાળના હાલ ચાર પ્રવેશદ્વારને ખુલ્લા રાખવામાં આવ્યા છે અને અંદાજે ૬૩ જેટલા સિક્યુરીટી સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક સવારથી રાત્રીના અગિયાર વાગ્યા સુધી મોનિટરિંગ કરવામાં આવે છે અને સેનીટાઇઝરનો ઉપયોગ કરી માસ્ક પહેરીને જ લાખોટા તળાવમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.