વોર્ડ નં.૩નાં કોર્પોરેટર અતુલ રાજાણીની મ્યુ.કમિશનરને રજુઆત
વોર્ડ નં.૩માંથી રેસકોર્ષ રીંગ ઉપર સવારે અને રાત્રે નિયમિત વોકિંગમાં જતા શહેરીજનો તરફથી મળેલી વ્યાપક ફરિયાદો બાદ કરેલા સ્થળ નિરીક્ષણ વેળાએ રેસકોર્ષ સંકુલ ફરતે લાખો રૂપિયાનાં ખર્ચે તાજેતરમાં જ નાખેલી લોખંડની કલાત્મક ગ્રીલ ઉપરના ભાગેથી તુટી ગયેલ છે અથવા કોઈએ તોડી નાખેલ હોય તેવી શંકા જણાય છે.
રેસકોર્ષ સંકુલ ફરતે નવી ગ્રીલ નખાયાને હજુ ૧ વર્ષ પણ થયુ નથી ત્યાં જ કલાત્મક ગ્રીલ ઉપરના ભાગેથી તુટી ગઈ છે. આવુ કયા કારણે બન્યુ છે તેની તપાસ કરાવવા માંગણી છે. નબળી ગુણવતાના કારણે આવુ બન્યુ હોય તો જવાબદાર કોન્ટ્રાકટર એજન્સી સામે અને જો કોઈ આવારા તત્વો ગ્રીલ કાઢી ગયા હોય તો ગાર્ડન શાખા અને વિજીલન્સ પોલીસના જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાવશો. શહેરની શાન સમા રેસકોર્ષ સંકુલની ગુણવતા અને સુંદરતા જળવાઈ રહે તે આપણા સૌની સહિયારી જવાબદારી છે તેવી કોર્પોરેટર અતુલ રાજાણીએ મ્યુ.કમિશનરને રજુઆત કરી છે.