સુરત: તા.૮ અને તા.૯મીના રોજ સુરતના વનિતા વિશ્રામ ખાતે મિલેટ્સ મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મિલેટ્સ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે. સુરતના આંગણે 75 સ્ટોલ્સમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મિલેટ્સ ઉત્પાદનો ખરીદવાની તક: સુરતીઓ મિલેટ્સ વાનગીઓનો સ્વાદ માણી શકશે. સુરત મહાનગરપાલિકાના કમિશનરના શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન્ય)ની ખેતી અને તેની આહારમાં ઉપયોગિતાને પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સે વર્ષ-2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે જાહેર કર્યા બાદ સમગ્ર ભારતમાં મિલેટ્સ ઉત્સવો-જાગૃત્તિ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષે પણ પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.8 અને 9મી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લાકક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાશે. આ મહોત્સવના આયોજન અંગે મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને સુડાભવન ખાતે બેઠક મળી હતી. બેઠકમાં કમિશનરશ્રીએ ખેડૂતોના સ્ટોલ્સ, સ્ટેજ, બેઠક સહિતની વ્યવસ્થાઓ માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આગામી તા. 8મીએ સવારે 11 વાગે મહોત્સવને ખૂલ્લો મૂકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરશે.
દ.ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી જિલ્લાના 80 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો 75 જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનો વેચાણ માટે પ્રદર્શિત કરશે. જ્યારે મિલેટ્સની વાનગીઓના 15 ફુડ સ્ટોલ્સ ઉભા કરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર, નાગલી, આંબા મોર રાઈસ, દુધ મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક ખેતપેદાશો સુરતીઓને ખરીદવાની તક મળશે. નોંધનીય છે કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ બને છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.