કલાઈમેન્ટ ચેંજની અસર કપાસ, મગફળી અને ચોખાના પાક કરતા બાજરાને સૌથી ઓછી: સૌરાષ્ટ્રના વાતાવરણમાં ‘બે ટંકનો રોટલો’ વધુ માફક: સંશોધક
બાજરાનો રોટલો દાયકાઓથી ગુજરાતીઓનાં ભોજનનો એક ભાગ રહ્યો છે. વર્તમાન સમયમા પણ શિયાળા અને ચોમાસાની ઋતુમાં લોકો બાજરાનો રોટલો ખાવાનું પસંદ કરે છે. જોકે અગાઉની સરખામણીએ હાલ બાજરાના રોટલો આરોગવાનું પ્રમાણ ઘટયું હોય તેવું જોવા મળે છે. ખેતીમાં પણ બાજરાનું સ્થાન અન્ય પાકએ લઈ લીધું છે.
ગુજરાતમાં ‘બે ટંકનો રોટલો’ ઉકિત પ્રચલિત છે. ભૂતકાળમાં બાજરાના રોટલાનું ચલણ વધુ હોવાથી આ ઉકિત સાર્થક ઠરી હતી. હવે ભોજનની સાથે ખેતીમાં પણ બાજરાનું ચલણ વધે તે ઈચ્છનીય છે. કલાઈમેન્ટ ચેન્જના કારણે વરસાદ અનિયમિત અથવા ઓછો પડે છે. આવા સંજોગોમા કપાસ, મગફળી અને ઘઉંના સ્થાને બાજરાનું વાવેતર અનુકુળ રહે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
કેન્દ્ર અને રાજય સરકારની સંસ્થાઓ દ્વારા તાજેતરમાં કલાઈમેન્ટ ચેન્જની ખેતીમાં થયેલી અસરો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ મુજબ ગુજરાતમાં કલાઈમેન્ટ ચેન્જની અસર તમામ મુખ્ય પાક ઉપર થઈ હતી જોકે બાજરાનાં વાવેતર માટે હાલનું વાતાવરણ વધુ અનુકુળ બન્યું છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા કપાસ, ચોખા, મગફળી અને ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે બાજરાના પાકમાં કલાઈમેન્ટ ચેન્જની કોઈ અસર જોવા મળી ન હતી વર્ષ ૧૯૮૦થી ૨૦૧૨ સુધી ૩૨ વર્ષના આંકડા પરથી ફલીત થયું હતુ કે અન્ય પાકની સરખામણીએ બાજરાના પાકને કલાઈમેન્ટ ચેન્જની અસર સૌથી ઓછી થઈ છે.
સંશોધકોએ આ મામલે જણાવ્યું હતુ કે દિવસ દરમિયાન તાપમાનમાં એક સેલ્સીયસ જેટલો વધારો તમામ પાક માટે હાનિકારક છે. અલબત બાજરાની વાત અલગ છે. બાજરાને ફર્ક પડતો નથી બીજી તરફ રાત્રી દરમિયાન લઘુતમ તાપમાનમાં થયેલો વધારો કપાસ અને ચોખા જેવા પાકને ફાયદો આપે છે. રાત્રે લઘુતમ તાપમાનમાં ૧ સેલ્સીયસ જેટલો વધારો કપાસના પાકમાં ૪૩ ટકાનો વધારો આપે છે. જયારે દિવસે મહતમ તાપમાનમાં વધારો થાય તો કપાસના ઉત્પાદનમાં સાત ટકા જેટલુ નુકશાન થાય છે. બાજરો એક્માત્ર એવો પાક છે જેમાં લઘુતમ કે મહતમ તાપમાન એક સેલ્સીયસ જેટલુ વધે તો પણ ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો થાય છે. ચોખાના ઉત્પાદનમાં લઘુતમ તાપમાનમા ૧ સેલ્સીયસ વધારો થાય તો પણ ૧૩ ટકા જેટલુ ઉત્પાદન ઓછુ આવે છે.
બાજરાની ખેતીનાં સ્થાને અન્ય પાક તરફ વળેલા ખેડુતો માટે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મહત્વના છે. સૌરાષ્ટ્રના વરસાદ ઓછો પડે છે. તેવી સ્થિતિમાં બાજરાનું ઉત્પાદન વધારવું મહત્વનું છે. મકાઈ અને જુવારની સામે બાજરાનો ઉપયોગ વધે તે ખૂબજ જરૂરી છે. માણસના શરીર માટે બાજરો જેટલો ઉપયોગી છે તેવી જ રીતે ખેતીમાં પણ બાજરો અગત્યનો સાબીત થઈ શકે છે.